મહિલા સ્વાવલંબન યોજના થકી અમદાવાદના લક્ષ્મીબહેન પરમાર બન્યાં આત્મનિર્ભર

સીવણ અને કાપડના કામમાં નિપુણ હોવા છતાં ઘરેલુ પરિસ્થિતિઓને કારણે અટવાયેલાં લક્ષ્મીબહેનના કૌશલ્યને રોજગારનું સ્વરૂપ મળ્યું
પરિવારની આર્થિક સ્થિરતામાં ફાળો આપીને લક્ષ્મીબહેન અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યાં
મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં મહિલા સ્વાવલંબન યોજના અમલમાં મુકવામાં આવી રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને સ્વાવલંબનશીલ બનાવવાનો છે.
મહિલા સ્વાવલંબન યોજનામાં કુલ 307 પ્રકારના વ્યવસાયો તથા 21 ટ્રેડનો સમાવેશ થાય છે, જેથી મહિલાઓ પોતાની રસ અને કુશળતા અનુસાર રોજગાર અપનાવી શકે છે.
અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રહેતાં સુશ્રી લક્ષ્મીબહેન બ્રિજેશભાઈ પરમાર આ યોજનાનો લાભ લઈને અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યાં છે. લક્ષ્મીબહેન સીવણ અને કાપડનાં કામમાં નિપુણ હોવા છતાં ઘરેલુ પરિસ્થિતિઓને કારણે પોતાના કૌશલ્યને રોજગારનું સ્વરૂપ આપી શકતા નહતાં.
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિભાગ કચેરીના માર્ગદર્શનથી લક્ષ્મીબહેનની લોન અરજીની ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, ગીતા મંદિર બ્રાંચમાં ભલામણ કરવામાં આવી હતી. યોજનાની મદદથી તેમને બેંક મારફતે રૂપિયા 1,80,000 (એક લાખ એંસી હજાર)ની લોન મંજુર થઈ છે, અને આગામી સમયમાં રૂપિયા 63,000 (ત્રેસઠ હજાર)ની સબસીડી પણ મળશે, જે તેમની માટે એક મોટી સહાય સાબિત થશે.
આ નાણાંકીય સહાયથી લક્ષ્મીબહેને ઘરેથી જ રેડીમેડ ગારમેન્ટ અને સીવણ કામ શરૂ કર્યું છે. નાનકડી દુકાનથી શરૂ કરેલાં તેમનું કાર્યનું આજે ધીમે ધીમે વિસ્તરણ થઈ રહ્યું છે. લક્ષ્મીબહેન હવે પોતાના પરિવારની આર્થિક સ્થિરતામાં ફાળો આપીને અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બની ગયાં છે.
મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે મદદરૂપ બની રહી છે. લક્ષ્મીબહેન પરમારનું ઉદાહરણ દર્શાવે છે કે, અવસર અને સહાય મળે તો મહિલાઓ જીવનમાં કોઈપણ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે.