રાજકીય પક્ષોને પીઓએસએચ ધારા હેઠળ લાવવા મધપૂડો છંછેડવા સમાન: સુપ્રીમ

નવી દિલ્હી, રજિસ્ટર્ડ રાજકીય પક્ષોને કાર્યસ્થળ પર મહિલાઓના જાતીય સતામણી નિવારણ ધારા હેઠળ લાવવાની માગણી કરતી એક અરજીને ફગાવી દઈ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજકીય પક્ષો પર પીઓએસએચ એક્ટ લાગુ કરવાની બાબત મધપૂડો છંછેડવા જેવી છે અને તે બ્લેકમેલ અને દુરુપયોગનું સાધન બનશે.
કાર્યસ્થળ પર મહિલાઓને જાતીય સતામણીથી બચાવવા અને સલામત કાર્યસ્થળ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ૨૦૧૩માં કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી (પ્રતિબંધ અને નિવારણ) ધારો ઘડવામાં આવ્યો હતો.
ભારતના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રન અને અતુલ એસ. ચંદુરકરની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે રાજકીય પક્ષો પર પીઓએસએચ એક્ટ લાગુ કરવાની બાબત મધપૂડો છંછેડવા જેવી છે અને તે બ્લેકમેલ અને દુરુપયોગનું સાધન બનશે. તમે રાજકીય પક્ષોને કાર્યસ્થળ તરીકે કેવી રીતે સરખાવો છો? કોઈ વ્યક્તિ રાજકીય પક્ષમાં જોડાય છે, ત્યારે તે નોકરી પર જોડાતો નથી. તે નોકરી નથી, કારણ કે તેઓ પોતાની મરજીથી અને મહેનતાણા વગર રાજકીય પક્ષોમાં જોડાય છે.
કાર્યસ્થળ પર જાતીય સતામણી સામેના કાયદામાં રાજકીય પક્ષોનો સમાવેશ કેવી રીતે થઈ શકે? તેનાથી રાજકીય પક્ષોના સભ્યોને બ્લેકમેલ કરવા માટે પેન્ડોરા બોક્સ ખોલશે.
સર્વાેચ્ચ અદાલત ૨૦૨૨ના કેરળ હાઈકોર્ટના ચુકાદા સામેની અપીલ પર સુનાવણી કરી રહી હતી.કેરળ હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોમાં કર્મચારી-નોકરીદાતા જેવો સંબંધ હોતો નથી, તેથી રાજકીય પક્ષો આંતરિક ફરિયાદ સમિતિ ની રચના માટે બંધાયેલા નથી.
અરજદાર યોગમાયા એમજી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાએ રજૂઆત કરી હતી કે ઘણી મહિલાઓ રાજકીય પક્ષોની સક્રિય સભ્યો હોવા છતાં એકમાત્ર સીપીએમમાં આંતરિક ફરિયાદ સમિતિ છે.SS1MS