Western Times News

Gujarati News

ઉત્તરાખંડ, હિમાચલ, મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, ૧૮નાં મોત

દેહરાદૂન/શિમલા, છેલ્લા બે મહિનાથી સતત કુદરતી આફતોથી પ્રભાવિત હિમાલયના રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્રમાં કુદરતનું તાંડવ ચાલુ રહ્યું છે.

ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં છ લોકોના મોત થયા છે અને સાત ગુમ થયા હતાં. રાજ્યમાં ૬૦૦થી વધુ લોકો અલગ અલગ સ્થળોએ ફસાયા હતાં.

હિમાચલમાં પણ વરસાદને કારણે મોટા પાયે ભૂસ્ખલન અને અચાનક પૂર આવતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતાં. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતાં અને ૧૨૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં હતાં.

ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં ભારે વરસાદથી આવેલા પૂરમાં દુકાનો, ઘરો અને કાર સહિતના વ્હિકલો તણાયા હતા. અનેક મકાનોને પણ ભારે નુકસાન થયું હતું. ઉત્તરાખંડ દેહરાદૂનમાં રસ્તાઓ તૂટી ગયા હતાં અને ઘણા પુલ ધોવાઈ ગયાં હતાં.

ધોધમાર વરસાદને કારણે બંને રાજ્યોમાં નદીમાં ધસમસતા પૂર આવ્યાં હતાં. ઉત્તરાખંડમાં ગંગા અને યમુના નદીઓના જળસ્તર વો‹નગ લેવલની નજીક પહોંચ્યાં હતાં, જ્યારે તમસા નદીનું જળ સ્તર ભયાનક રીતે ખતરાના નિશાને પહોંચ્યું હતું.

સવારે તમસા નદીમાં અચાનક પૂર આવ્યું હતું, તેનાથી પ્રખ્યાત તપકેશ્વર મંદિરમાં પાણી ભરાયા હતા અને પ્રવેશદ્વાર પાસેની વિશાળ હનુમાન પ્રતિમા ખભા સુધી પાણીમાં ડૂબી ગઈ હતીં. દેહરાદૂનના પૌંધા વિસ્તારમાં દેવભૂમિ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા લગભગ ૪૦૦-૫૦૦ વિદ્યાર્થીઓને ટીમે બચાવી લીધા હતાં.

દહેરાદૂનમાં વરસાદ સંબંધિત ત્રણ મૃત્યુ નોંધાયા હતાં. નૈનિતાલમાં બે મૃત્યુ નોંધાયા હતાં. એકલા દહેરાદૂન જિલ્લામાં સાત લોકો પાણીમાં તણાઈ જવાથી ગુમ થયા હતાં. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂન જિલ્લાના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને રિસ્થિતિની સમીક્ષા કરી હતી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સ્થિતિની માહિતી આપી હતી.

પડોશી રાજ્ય હિમાચલપ્રદેશ પણ આવી જ તારાજી સર્જાઈ હતી. રાજ્યની રાજધાની શિમલામાં સોમવાર સાંજથી ૧૨ કલાકમાં ૧૪૨ મીમી વરસાદ પડ્યો હતો.

ધોધમાર વરસાદને કારણે આવેલા અચાનક આવેલા પૂરમાં મંડી જિલ્લાના ધરમપુર વિસ્તારમાં મુખ્ય બસ સ્ટેન્ડ ડૂબી ગયું હતું, જેના કારણે અનેક વાહનો તણાઈ ગયા હતા. જિલ્લાના બ્રગતા ગામમાં ભૂસ્ખલનને કારણે ઘર ધરાશાયી થતાં બે મહિલાઓ અને એક બાળકનું મોત નીપજ્યું હતું. આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમાં વાદળ ફાટવાની ૪૬, ફ્લેશ ફ્લડની ૯૭ અને ભૂસ્ખલનની ૧૪૦ ઘટનાઓ બની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.