Western Times News

Gujarati News

આઇસીસી વિમેન્સ વન-ડે ક્રમાંકમાં મંધાના ફરીથી મોખરે પહોંચી

દુબઈ, ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ હાલમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે ક્રિકેટ સિરીઝની પ્રથમ વન-ડેમાં શાનદાર અડધી સદી ફટકારીને આઇસીસી વિમેન્સ વન-ડે ક્રિકેટ ક્રમાંકમાં ફરી એક વાર મોખરાનો ક્રમ હાંસલ કરી લીધો હતો.

મંગળવારે આઇસીસીએ વિમેન્સ વન-ડે બેટિંગ ક્રમાંક જારી કર્યા હતા.ઓસ્ટ્રેલિયા સામે ચંદીગઢના મુલ્લાનપુર ખાતે રવિવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં મંધાનાએ ૬૩ બોલમાં ૫૮ રન ફટકાર્યા હતા. જોકે તે મેચમાં ભારતનો પરાજય થયો હતો.

મંધાના ઉપરાંત તેની સાથી ઓપનર પ્રતિકા રાવલ અને ત્રીજા ક્રમની બેટર હરલિન દેઓલે પણ અડધી સદી ફટકારી હતી. આ બંનેના ક્રમમાં પણ સુધારો જોવા મળ્યો છે.

હવે ફરીથી મોખરાનો ક્રમ હાંસલ કરવાથી આ મહિને ભારતમાં જ યોજાનારા વિમેન્સ વર્લ્ડ કપ અગાઉ મંધાનાના આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે.૩૦મી સપ્ટેમ્બરથી ભારતમાં વર્લ્ડ કપ યોજાનારો છે અને તે અગાઉ આઇસીસી ક્રમાંકમાં ફરક પડનારો નથી. આમ મંધાના આ વખતે મેગા ઇવેન્ટમાં નંબર વન તરીકે રમી શકશે.

રવિવારના ૫૮ રનની મદદથી સ્મૃતિ મંધાનાએ સાત રેટિંગ પોઇન્ટ હાંસલ કર્યા હતા જેને કારણે તે ઇંગ્લેન્ડની નેટ સિવર-બ્રન્ટ કરતાં ચાર પોઇન્ટ આગળ નીકળી ગઈ હતી. આ સાથે અંગ્રેજ બેટર નેટ સિવર બીજા સ્થાને આવી ગઈ છે.

મંધાનાના ૭૩૫ રેટિંગ પોઇન્ટની સરખામણીએ ઇંગ્લેન્ડની અનુભવી બેટર ૭૩૧ પોઇન્ટ ઘરાવે છે.મંધાનાએ પહેલી વાર ૨૦૧૯માં મોખરાનો ક્રમ હાંસલ કર્યાે હતો અને ૨૦૨૫ના જ વર્ષમાં તે બીજી વાર આ સ્થાને પહોંચી છે. તેની સાથે આ વખતે ભારતની ઓપનર પ્રતિકા રાવલે ચાર ક્રમની છલાંગ લગાવી છે અને ૪૨મા ક્રમે પહોંચી છે.

શેફાલી વર્માના કંગાળ ફોર્મને કારણે ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરી શકેલી પ્રતિકાએ તાજેતરમાં સારું ફોર્મ દાખવ્યું છે. રવિવારે તેણે અડધી સદી ફટકારી હતી અને તેની સાથે ૫૪ રન ફટકારનારી હરલિન દેઓલે પણ તેના ક્રમમાં સુધારો કર્યાે છે. તે હાલમાં રાવલ બાદ ૪૩મા ક્રમે આવી ગઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.