રાજ્ય સરકારને રૂ. ૧૦.૩૪ કરોડથી વધુની આવક થઈ છેલ્લા ત્રણ વર્ષમાં ઔદ્યોગિક ઉત્પાદનોની ગુણવત્તા ચકાસણી થકી

રાષ્ટ્રીય મંચ ઉપર ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત-વિશ્વાસપાત્ર લેબોરેટરી તરીકે ‘ગીરડા’ પ્રસ્થાપિત
વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, વાસ્મો, સરદાર સરોવર નિગમ જેવા જાહેર સાહસો સાથે ‘ગીરડા’ એમ્પેનલ
વડોદરા ખાતે કાર્યરત ‘ગીરડા’ સંસ્થાને વર્ષ ૨૦૨૨થી ૨૦૨૫ એમ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનોની ગુણવત્તા ચકાસણી થકી રૂ. ૧૦.૩૪ કરોડથી વધુની આવક થઈ છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૭.૨૧ કરોડ કરતાં વધુ ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવી છે.
કેમિકલ, પ્લાસ્ટિક્સ, પોલિમર્સ જેવા ઉદ્યોગો માટે રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત લેબોરેટરી અને R&Dમાં સેન્ટર ઓફ એક્સિલન્સ વિકસાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઔધોગિક સંશોધન અને વિકાસ સંસ્થા-ગીરડાની સ્થાપના કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શનમાં ‘ગીરડા’ રાષ્ટ્રીય મંચ ઉપર ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત અને વિશ્વાસપાત્ર લેબોરેટરી તરીકે પ્રસ્થાપિત થઈ છે. આ સંસ્થા વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનોની ચકાસણી ઉપરાંત જનહિત સંબંધિત પીવાના પાણીની પાઇપલાઇનની ગુણવત્તા ચકાસણીની પણ ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી કરે છે.
જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગીરડાને વિવિધ જાહેર સાહસો જેવા કે, વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, વાસ્મો, સરદાર સરોવર નર્મદા નિગમ લિ. વગેરે સાથે પીવીસી અને એચડીપી પાઇપ ચકાસણી અર્થે એમ્પેનલ કરવામાં આવી છે. વધુમાં આ સંસ્થા રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર હસ્તગત વિવિધ સાહસો જેવા કે, GAIL, IOCL, BPCL, ONGC, PWD, GMB, GWIL, POLICE HOUSING, GGRC, URBAN AUTHORITY & MUNICIPLE CORPORATIONS તેમજ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના સિંચાઈ વિભાગને સેમ્પલ ચકાસણી તથા સ્થળ તપાસ-માર્ગદર્શનની સેવાઓ પણ પૂરી પાડે છે.
ગીરડાને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય દ્વારા ‘Scientific & Industrial Research Organizations(SIROs)’ની તેમજ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફથી ‘National Accreditation Board for Testing and Calibration Laboratories (NABL)’ની માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત સંસ્થાને વડોદરાની ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી ‘Recognition for Research Center under Applied Chemistry Department’ની માન્યતા પણ મળી છે. વધુમાં, ગીરડાએ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર અને કેમિકલ્સ યુનિવર્સિટી(જીએસએફસી) સાથે વિવિધ સમજૂતી કરાર કર્યા છે.
આ સંસ્થા રબર, પ્લાસ્ટિક, પેઇન્ટ, શાહી, કોટિંગ્સ, કાગળ, રસ્તાના કામ અને હાઇવે સામગ્રી, ધાતુ-મિશ્રધાતુ, અકાર્બનિક રસાયણો, સિમેન્ટ, બાંધકામ સામગ્રી તથા પેટ્રોલિયમ ઉત્પાદનો જેવા વિવિધ ઉદ્યોગોને હાલની પ્રક્રિયાઓમાં ફેરફાર અંગે માર્ગદર્શન તથા ગુણવત્તા ચકાસણી માટે મદદ પૂરી પાડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની ૧૦૦ ટકા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા ગીરડા કેમિકલ અને પેટ્રોલિયમ ક્ષેત્રની નાના, મધ્યમ ઉદ્યોગોને સંશોધન તેમજ વિકાસ વિસ્તરણ, તાલીમ, સહાય માર્ગદર્શન, ટેકનોલોજી, ગુણવત્તા નિયમન, સ્થળ તપાસ અને નવી વસ્તુના ઉત્પાદન સંબંધિત માર્ગદર્શનની વિવિધ કામગીરી કરે છે.