કર્ણાટકની સ્ટેટ બેન્કમાંથી સોનું અને રોકડ સહિત રૂ.૨૧.૦૪ કરોડની લૂંટ

વિજયપુરા, કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચદસન ગામમાં મંગળવારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ)ની બ્રાન્ચમાં હથિયારો સાથે આવેલાં લૂંટારાઓએ ધોળાદિવસે લૂંટ કરતાં હડકંપ મચી ગયો છે.
આ ઘટનામાં લૂંટારાઓએ લગભગ રૂપિયા ૨૧.૦૪ કરોડની રોકડ અને સોનાના ઘરેણા લૂંટી લીધા હતાં. પોલીસના કહેવા મુજબ ત્રણ હથિયારધારી લૂંટારાઓએ બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને પ્લાસ્ટિકના ટેગથી બાંધીને લૂંટ કરી હતી.સ્ટેટ બેંકની શાખાના મેનેજર તારકેશ્વરની ફરિયાદ મુજબ, ત્રણ લૂંટારાઓ બેંકમાં ચાલુ ખાતું ખોલવાના બહાને બેંકમાં ઘુસ્યા હતા.
તેમની પાસે પિસ્તોલ અને ચાકૂ હતા, તેનો ઉપયોગ કરીને બેંક કર્મચારીઓ અને ઉપસ્થિત ગ્રાહકોને ધમકાવ્યા હતા. તેમજ ડાકુઓએ તમામને પ્લાસ્ટિકના ટેગથી બાંધી દીધા અને બેંકના રોકડ અને સોનાના લોકર ખોલવા માટે મજબૂર કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે, લૂંટ દરમિયાન ડાકુઓએ સોનાના ૪૨૫ પેકેટ પૈકી ૩૯૮ પેકેટ ચોરી લીધા, જેનું કુલ વજન લગભગ ૨૦ કિલોગ્રામ છે.
આ સિવાય, લગભગ રૂપિયા ૧.૦૪ કરોડની રોકડ પણ લૂંટી લીધા. પોલીસના જણાવ્યા મુજબ, એક સુઝૂકી ઈવા વાહનમાં ડાકુઓ ભાગ્યા, આ વાહનની નંબર પ્લેટ બોગસ હતી, અને તેએ લૂંટના માલ લઈને મહારાષ્ટ્રના પંઢરપુર તરફ જઈ રહ્યા હતા.
જોકે, સોલાપુર જિલ્લાના હુલજંતી ગામમાં વાહન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, ત્યાર પછી ડાકુઓ લૂંટેલા સામાનની સાથે ફરાર થઈ ગયા હતા. વિજયપુરા પોલીસ મુજબ બેંકના મેનેજરની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં આ બેંક લૂંટની મોટી દ્વિતીય ઘટના બની છે. આ પહેલા જૂન ૨૦૨૫માં વિજયપુરાના જ મનાગુલી ગામમાં આવેલી કેનેરા બેંકની શાખામાંથી ૫૯ કિલોગ્રામ સોનું અને રૂપિયા ૫.૨ લાખની રોકડની લૂંટ થઈ હતી.SS1MS