જૂનાગઢમાં ૪.૬૦ કરોડનું શિષ્યવૃત્તિ કૌભાંડ: ૪ સ્કૂલ સંચાલકોની ધરપકડ

જૂનાગઢ, જૂનાગઢમાં અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાંથી વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમમાં ૪.૬૦ કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે જૂનાગઢ પોલીસે ૧૨ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો સામે ગુનો નોંધીને ચાર સ્કૂલ સંચાલકોની ધરપકડ કરી છે.
આ કૌભાંડનો પર્દાફાશ જૂનાગઢના નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના કિશોર વલ્લભદાસ ભરખડાએ નોંધાવેલી ફરિયાદથી થયો હતો.
જૂનાગઢ શહેર ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.તપાસ દરમિયાન, ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા ૨૨૪૫ વિદ્યાર્થીઓના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા અને તમામ સંસ્થાઓની બેંક ખાતાની વિગતો પણ મંગાવવામાં આવી હતી.
આ દસ્તાવેજોની તપાસના આધારે પાંચ આરોપીઓની ઓળખ થઈ હતી, જેમના ખાતામાં કૌભાંડની રકમ જમા થઈ હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્›પની અલગ-અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી.
આ ટીમોએ સતત વોચ રાખીને ૪ આરોપીઓની ધરપકડ કરી હતી.ઝડપાયેલા આરોપીઓમાં રમેશ કાળુભાઈ બાકુ, ક્રિષ્ના એકેડમીના સંચાલક, રમણીક નાથાભાઈ રાઠોડ, પ્રશિક્ષણ એજ્યુકેશનના સંચાલક, ભાવિન લાલજીભાઈ ડઢાણીયા, પેરામેડિકલ સ્કૂલના સંચાલક, જગદીશ ભીખાભાઈ પરમાર, ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટના સંચાલકનો સમાવેશ થાય છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અમરેલીયા ઉમરફારૂક ઈબ્રાહીમની ધરપકડ કરવાની બાકી છે.૧૨ સંસ્થાના સંચાલકોએ સંસ્થાઓના નામે ખોટા વિદ્યાર્થીઓના દસ્તાવેજો બનાવી શિષ્યવૃત્તિની ૪.૬૦ કરોડની રકમ મેળવી લીધી હતી. કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ શિષ્યવૃત્તિની રકમ જે તે વિદ્યાર્થીઓને આપવામાં જ આવી ન હતી.SS1MS