Western Times News

Gujarati News

રૂ.૬૦ કરોડમાં નેહા ધુપિયા અને બિપાશા બાસુનો પણ હિસ્સો

મુંબઈ, મુંબઇ પોલિસના ધ ઇકોનોમિક ઓફેન્સ વિંગના અધિકારીઓએ ૬૦ કરોડની છેતરપિંડીના કેસમાં સઘન તપાસ હાથ ધરી છે. જેમાં બિઝનેસમેન અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની લગભગ ૫ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

તેને આવતા અઠવાડિયે ફરી એક વખત પૂછપરછ માટે સમન પાઠવવામાં આવે એવી શક્યતા છે. ત્યારે હવે કેટલાક એવા અહેવાલો છે કે રાજ કુન્દ્રાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેની આ ૬૦ કરોડની રકમનો ઘણો હિસ્સો નેહા ધુપિયા અને બિપાશા બાસુને ફી પેટે ચુકવાયો છે.

જોકે આ અહેવાલો મુજબ તપાસમાં તેણે હજુ ઘણા મુદ્દાઓ પર મોં ખોલ્યું નથી.એક સુત્રએ આઈએએનએસ એજન્સીને જણાવ્યા અનુસાર, અધિકારીઓને ૬૦ કરોડમાંથી લગભગ ૨૫ કરોડ જેટલી રકમનો તાળો મળી ગયો છે.

જેને કંપનીના ખાતામાંથી વિવિધ એક્ટ્રેસના ખાતામાં ટ્રાન્સફર કરાયા છે, જેમાં શિલ્પા શેટ્ટી ઉપરાંત બિપાશા બાસુ અને નેહા ધુપિયાનો સમાવેશ થાય છે. કેટલાંક વ્યવહારો બાલાજી ટેલિફિલ્મસ સાથે પણ સંકળાયેલા હોવાના અહેવાલો છે.

તપાસ અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે નોટબંધી દરમિયાન કંપનીના નાણાંકીય ખર્ચ પર દબાણ આવ્યું હતું, જેના કારણે શંકાસ્પદ નાણાના વ્યવહારો શરૂ થયા હતા જેની તપાસ હવે ચાલુ છે. આ ટ્રાન્સફરના પુરાવા ઈઓડબલ્યુ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.આ ઉપરાંત રાજ કુન્દ્રાને પોલિસે બેસ્ટ ડીલ શો માટે તૈયાર કરાયેલા કન્ટેન્ટના વીડિયો પણ સબમિટ કરવા કહેવાયું છે.

મુંબઇ પોલિસે પણ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવાયું છે કે, “કહેવાતા ૬૦ કરોડના કેસમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ તપાસ ચાલુ છે. રાજ કુન્દ્રાને મુંબઇ પોલિસના ઇઓડબલ્યુ દ્વારા સમન પાઠવાયું હતું.

તેને પોલિસ તપાસ માટે હાજર રહેવા જણાવાયું હતું.”આ કેસની તપાસ ચાલુ છે અને વધુ જાણીતા નામોની સંડોવણી ખુલે તેવી શક્યતા છે. અન્ય લોકોને પણ પૂછપરછ માટે બોલાવાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.