હિંમત હારેલા ખેડૂતે ટ્રેક્ટરથી 25 વિઘાનું ખેતર ખેડી નાંખી કેળાના પાકનો નાશ કર્યો

પ્રતિકાત્મક
વેપારીઓ અને વચેટિયાઓની મીલીભગતનો ભોગ ખેડૂતને બનવું પડે છે
ભાવનગર, ગુજરાતમાં કેળાની ખેતી કરતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. કેળાની ખેતી કર્યા બાદ પાકનો ભાવ નહીં આવતા ખેડૂતો લાચાર બન્યાં છે. ભાવનગરના મહુવામાં ૨૫ વિઘા જમીનમાં કેળાનો પાક લેનાર ખેડૂત આખરે હિંમત હાર ગયો અને કંટાળીને પોતાના ૨૫ વિઘા જમીનના ખેતરમાં કેળના પાક ઉપર ટ્રેકટર ફેરવીને પાકનો સંપૂર્ણ પણે નાશ કરી નાંખ્યો છે.
ભાવનગરના મહુવામાં હાલમાં કેળાનો પાક લેનારા ખેડૂતો બેહાલ બની ગયાં છે. બાગાયતી ખેતી કરનારા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે પોતાના ૨૫ વિઘાના ખેતરમાં કેળની ખેતી કર્યા બાદ કેળાનો પાક તૈયાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાકને ખરીદનાર નહીં મળતાં ખેડૂત મુંઝવણમાં મુકાયા હતાં.
ખેતરમાં ઉભો કેળાનો પાક બગડી રહ્યો હતો. ત્યારે હિંમત હારીને આખરે તેમણે ટ્રેક્ટરથી ૨૫ વિઘાનું ખેતર ખેડી નાંખી કેળાના પાકનો સંપૂર્ણ નાશ કરી નાંખ્યો હતો.
ખેડૂત ભગવાનભાઈ માળિયા અને ભરત ભાઈ કોરડિયાએ કહ્યું હતું કે, અમારે એક વિઘાના કેળના વાવેતરમાં ૬૦ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. ત્યારે ૨૫ વિઘામાં ૧૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ પાકની માવજત રાત દિવસ કરીને ૧૮ મહિના કરતાં વધારે સમય સુધી મહેનત કરી હતી. જ્યારે ઊપજ આવવા લાગી ત્યારે પાકની ખરીદી કરવા માટે કોઈ વેપારી તૈયાર નહોતો.
આ પાક તૈયાર થઈને બગડી રહ્યો હતો. ત્યારે ના છુટકે દિલ પર પથ્થર મુકીને ૨૫ વિઘા ખેતરમાં ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી પાકનો સંપૂર્ણ નાશ કરી નાંખ્યો છે.વેપારીઓ અને વચેટિયાઓની મીલીભગતનો ભોગ ખેડૂતને બનવું પડે છે. જ્યારે કેળાની ખેતી શરૂ કરવામાં આવે ત્યારે સારો ભાવ હોય છે. પરંતુ પાક તૈયાર થાય ત્યારે વેપારીઓ દ્વારા ભાવ આપવામાં આવતો નથી.
ખેડૂતને મળતા ભાવમાં તેનો ખર્ચો પણ નીકળતો નથી. જેના કારણે ખેડૂત લાચાર બની જાય છે. મહુવામાં પણ ખેડૂતને વેપારીઓ દ્વારા ખરીદી નહીં થતાં આખરે હિંમત હારીને તેણે ૨૫ વિઘાના ખેતરમાં ટ્રેક્ટર ફેરવી દઈને પાકનો નાશ કરી નાંખ્યો હતો.