લંડનના ફેશન શોમાં ભાગ લેવાની લાલચે મહિલાએ રૂ.૩૩ લાખ ગુમાવ્યા

ગાંધીનગરની મહિલાએ દિલ્હીની મહિલા સહિત બે સામે ઠગાઈનો ગુનો નોંધાવ્યો
ગાંધીનગર, વુમન્સ-વેરના પ્રિમીયમ કપડા બનાવી બિઝનેશ કરતી ગાંધીનગરની મહિલાને લંડન ફેશન શોમાં ભાગ લેવડાવવાની લાલચ આપી દિલ્હીના ગૌરવ મંડલ અને સોનલ જિંદાલે રૂ.૩ર.૯૧ લાખની છેતરપિંડી આચરી હોવા અંગે ઈન્ફોસિટી પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગરના કુડાસણના કોમ્પલેક્ષમાં ફલેપર-૧ ફેશન પ્રા.લી. નામની કંપની ચલાવતા સોનલબેન દેસાઈ સાથે મે ર૦રપમાં ગૌરવ મંડલ (રહે. ન્યુ રાજેદ્રનગર દિલ્હી) સાથે સંપર્ક થયો હતો. બાદમાં સોનલબેને પોતાની કંપનીમાં બનતા કપડાના પ્રચાર અને વેચાણ અર્થે ગૌરવ મંડલને કંપનીના સલાહકાર તરીકે માસિક પગાર રૂ.૧.૧૦ લાખમાં હાયર કર્યો હતો.
દરમિયાન એક દિવસ ગૌરવે લંડનમાં લંડન ફેશન શો થવાનો હોવાની વાત સોનલબેનને કરી કહેલું કે, તમે આમાં જાઓ અને તમારા કપડાને ત્યાં પ્રેઝન્ટ કરો તો વિદેશમાં બહોળા પ્રચાર સાથે વેચાણ થઈ શકે.
સોનલબેને લંડન જવાની તૈયારી દર્શાવતા ગૌરવે લંડન ફેશન શોમાં એંટ્રીનું કામ કરી આપવા તેમનો સંપર્ક સોનલ જીંદાલ (રહે. દિલ્લી) સાથે કરાવ્યો હતો. બાદમાં બંને વચ્ચે ઓનલાઈન માધ્યમથી એમઓયુ થયા હતા. સોનલ જીંદાલે ફેશન શોમાં રેમ્પ વોક માટે મોડલો આપવાની, ફોટો સૂટ કરી આપવાનું, ત્યાંના મીડિયામાં તેને અમારી જાહેરાત સહિતના કામ પેટે રૂ.૩ર.૯૧ લાખ નકકી કર્યા હતા.
દરમિયાન સોનલબેને લંડન ફેશન શોમાં જવાની તૈયારીઓ શરૂ કરી નકકી થયા મુજબના પૈસા મોકલયા હતા. બાદમાં સોનલબેન તેમના પતિ શૈલેષભાઈ અને મેનેજર હેતલ ત્રિવેદી એમ ત્રણ જણાને લંડન જવાનું નકકી થયું હતું. ગત ર૩ ઓગસ્ટે સોનલબેન પતિ સાથે દિલ્હી ગયા હતા. જયાં સોનલ જિંદાલ સાથે મિટિંગ થતા તેણે ૧પ સપ્ટેમ્બરે લંડન જવા નીકળવા કહ્યું હતું.
બીજી સપ્ટેમ્બરે સોનલ જિંદાલે ઈમેલ કરીને જાણ કરેલી કે, તમને લંડન નહીં લઈ જવાય, લંડન ખાતેની કંપની ના પાડે છે. જેથી સોનલબેને “લંડન ફેશન વીક એન્ડ ધ સી” કંપની સાથે વાત કરતા માલૂમ પડેલું કે મેડુસા કંપનીના નામે કપડાંની ડીઝાઈન મળી છે, પરંતુ કોઈ ફી જમા થઈ નથી. ત્યારે તેમને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો.