ગોધરા બામરોલી ચોકડી નજીક મેશરી નદી પર બ્રિજનો રસ્તો ખખડધજ

ભાજપ કમલમ નજીકનો માર્ગ લાંબા સમયથી બીસ્માર હાલતમાં છે.
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) (પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરના બામરોલી ચોકડી નજીક આવેલી મેશરી નદી પરનો બ્રિજ અને તેની આસપાસનો રસ્તો હાલમાં ખૂબ જ ખસ્તાહાલ હાલતમાં પહોંચી ગયો છે. માર્ગ પર મોટા–મોટા ખાડાઓ ઊભા થઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બે–ચક્રી વાહનચાલકો તથા રોજિંદા મુસાફરી કરતા લોકો માટે આ રસ્તો મુશ્કેલી અને જોખમભર્યો સાબિત થઈ રહ્યો છે.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, ભાજપ કમલમ નજીકનો માર્ગ લાંબા સમયથી બીસ્માર હાલતમાં છે. અનેકવાર સમારકામ શરૂ કરવામાં આવ્યું હોવા છતા કામ અધૂરું રહી જવાથી રોજની અવરજવર કરતા નેતાઓની આંખ સામે આ સમસ્યા હોવા છતા તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવી રહ્યા નથી.
ગોધરા–દાહોદ બાયપાસ પર તંત્રની નિષ્ક્રિયતા સ્પષ્ટ જોવા મળી રહી છે. રોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે, જેમાં ટ્રક, બસ અને અન્ય ભારે વાહનોનો સમાવેશ થાય છે. રસ્તાની ખરાબ હાલતને કારણે વાહનોને સતત નુક્સાન થઈ રહ્યું છે તેમજ અકસ્માતના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.
સરકારે હાઈવે પર ખાડા પુરવાના આદેશો આપ્યા હોવા છતા, અહીં ખાડા પુરવાની કામગીરી ઠપ્પ પડી ગઈ છે. નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આખરે તંત્ર ક્યારે જાગશે? રોજિંદા જીવન સાથે લોકોની સુરક્ષા પણ આ બેદરકારીને કારણે જોખમાઈ રહી છે.
સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. નાગરિકોની માગ છે કે તાત્કાલિક આધારે આ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે, નહિ તો મોટી દુર્ઘટનાઓ સર્જાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.