Western Times News

Gujarati News

અમદાવાદની ૧૬ શાળામાં વર્ગ ઘટાડો કરાશે, શનિવારે હીયરિંગની કાર્યવાહી

અમદાવાદ , ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.૯થી ૧૨માં વિદ્યાર્થી સંખ્યા જળવાતી ન હોય તેવી શાળાઓએ વર્ગ ઘટાડા માટે દરખાસ્ત કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું હતું.

જેના પગલે શહેરની ૧૬ શાળાઓ દ્વારા વર્ગ ઘટાડા માટે દરખાસ્ત કરાઈ હતી. આ દરખાસ્ત મળ્યા બાદ હવે શનિવારના રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વર્ગ ઘટાડા માટેનું હીયરિંગ શરૂ કરવામાં આવશે.

જેમાં આ શાળાઓના વર્ગ ઘટાડા અંગેની કાર્યવાહી કરાશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક બાજુ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારા માટેની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જ્યારે બીજી બાજુ જે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થી સંખ્યા જળવાતી ન હોય તેવી શાળાઓમાં વર્ગ ઘટાડો કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

આ માટે શાળાઓ પાસેથી વર્ગ ઘટાડા માટેની દરખાસ્તો મગાવવાની કાર્યવાહી હાથ પર લેવામાં આવી હતી. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યાેને પત્ર લખીને વર્ગ ઘટાડા માટેની દરખાસ્ત કરવા માટે તાકીદ કરી હતી.

શાળાઓએ શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઈ અનુસાર વિદ્યાર્થી સંખ્યા જાળવવાની હોય છે, પરંતુ જો વિદ્યાર્થી સંખ્યા નિયમાનુસાર જળવાતી ન હોય તેવી શાળાઓએ વર્ગ ઘટાડાની દરખાસ્ત આધાર- પુરાવા સાથે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કરવા માટે તાકીદ કરાઈ હતી. જેના પગલે શહેરની ૧૬ શાળાઓએ વર્ગ ઘટાડા માટે દરખાસ્ત કરી હોવાનું સામે આવ્યું હતું.

દરમિયાન, તમામ દરખાસ્તો મળ્યા બાદ હવે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વર્ગ ઘટાડા માટેનું હીયરિંગ હાથ ધરવાનું આયોજન કરાયું છે.

અમદાવાદ શહેરની ૧૬ જેટલી શાળાઓએ વર્ગ ઘટાડા માટે દરખાસ્ત કરી હોવાથી શનિવારના રોજ આ શાળાઓનું હીયરિંગ કરવામાં આવશે. જે શાળાઓએ વર્ગ ઘટાડા માટે દરખાસ્ત કરી છે તેમાં પાલડીની દિવાન બલ્લુભાઈ સ્કૂલે ધો.૧૨ સાયન્સના વર્ગ ઘટાડા માટે દરખાસ્ત કરી છે.

આ ઉપરાંત વાસણાની સત્યમ વિદ્યાલય, નારણપુરાની અર્ચના વિદ્યાલય, જે.એન. બાલિકા વિદ્યાલય, અસારવાના વિશ્વ વિદ્યાલય, મેઘાણીનગરની જય ભારત વિદ્યાલય, ઓઢવની સરસ્વતી વિદ્યામંદિર, બાપુનગરની સત્સંગી વિદ્યાલય, ઓઢવની સુપર વિદ્યાલયનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.