Western Times News

Gujarati News

એરપોર્ટ પર ‘મારીજુઆના’ સાથે ઝડપાયેલા આરોપીની જામીન રદ

અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર પ્રતિબંધિત મારીજુઆના (ગાંજા) સાથે ઝડપાયેલા મહારાષ્ટ્રના યુવકની જામીન અરજી એડિશનલ સેશન્સ જજ વી.બી. રાજપૂતે ફગાવી દીધી છે.

કોર્ટે નોંધ્યું હતું કે, અરજદારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરવા અંગેની હકીકત આ કોર્ટ સમક્ષ જાહેર કરી નથી. આમ આરોપી અરજદાર સ્વચ્છ હાથે આવ્યો ન હતો અને આ કોર્ટ સમક્ષ મહત્ત્વપૂર્ણ હકીકત છુપાવી છે.

આ મામલે તપાસ ચાલી રહી છે, ત્યારે આવા ગંભીર પ્રકારના કેસમાં આરોપીને જમીન પર મુક્ત કરી શકાય નહીં. ૧૨ જુલાઇએ બેંગકોક મલેશિયા એરની ફ્લાઇટ આવી હતી. જેમાં મહારાષ્ટ્રનો ધનંજય જગદીશ વિશ્વકર્મા આવ્યો હતો. તેના પર કસ્ટમ્સ વિભાગને શંકા ગઇ હતી. જેથી તપાસ કરતા તેની બેગમાં જુદા જુદા ૧૨ પેકેટમાં પ્રતિબંધિત મારીજુઆનાના પેકેટ મળ્યા હતા.

જેનું વજન ૬૬૦૯ ગ્રામ હતું. જેથી કસ્ટમ્સ વિભાગે આરોપીની ધનંજયની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ આરોપીએ જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, નિર્દાેષ છું, ખોટી રીતે સંડોવી દેવાયો છે, કોર્ટ જામીન આપે તો શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ.

અરજીનો વિરોધ કરતા ખાસ સરકારી વકીલ મહાવીર બી. ભાનુશાલીએ એવી દલીલ કરી કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપી પાસેથી કોમર્શિયલ કોન્ટીટીમાં ગાંજો ઝડપાયો છે, આવા કિસ્સા સતત વધી રહ્યાં છે, એક તરફ યુવા ધન આ બદીને કારણે બરબાદ થઇ રહ્યું છે ત્યારે આવા આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો ફરી આ જ પ્રવૃત્તિ કરે તેવી શક્યતા છે તેથી આરોપીને જામીન પર મુક્ત ન કરવો જોઇએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.