‘કલ્કિ’ની સિક્વલમાં દીપિકાની બાદબાકીનું કારણ જાહેર કરાયું

મુંબઈ, બોલિવૂડ એરક્ટ્રેસ દીપિકા પાદુકોણને પ્રભાસ અને અમિતાભ બચ્ચનની ‘કલકી ૨૮૯૮ એડી’માંથી ઓફિશીયલી દૂર કરવામાં આવી છે અને તેની સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવી છે.
આની પાછળ ફિલ્મના પ્રોડ્યુસર્સ સામે તેણે મુકેલી ગેરવ્યાજબી માગણીઓને જવાબદાર માનવામાં આવે છે. ૧૮ સપ્ટેમ્બરે ફિલ્મના મેકર્સ દ્વારા એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કમિટમેન્ટ ઇશ્યુને જવાબદાર ગણાવીને આ પ્રકારની મોટા ગજાની ફિલ્મ માટે સંપુર્ણ જોડાણની જરૂર પડે છે છે, જેની તેમને દીપિકા પાદુકોણમાં ખામી લાગે છે.
કેટલાક અહેવાલો અનુસાર દીપિકા પાદુકોણની ગેરવ્યાજબી માગણીઓને પણ આ નિર્ણય માટે જવાબદાર ગણાવામાં આવી છે. દીપિકાએ કામ કરવાની શરતો સાથે પોતાની ફી પણ વધારી દીધી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “દીપિકા પાદુકોણે પહેલા ભાગમાં જે ફીમાં કામ કર્યું હતું, બીજા ભાગમાં તેના કરતાં ૨૫ ટકા વધારો માગ્યો છે. એટલું જ નહીં, તેણે દૃઢતા પૂર્વક માત્ર ૭ કલાક જ કામ કરવાની શરત પણ મુકી હતી. કલકી જેવી ફિલ્મમાં વીએફએક્સનો વધુ પડતો ઉપયોગ હોય ત્યારે આટલા ઓછા કલાકમાં બધું પૂરું કરવામાં બજેટમાં નોંધપાત્ર વધારો કરવો પડે છે.”
સુત્રએ એવું પણ કહ્યું કે, “તેઓ સાત કલાકથી વધુ શૂટના કલાકારો દરમિયાન દીપિકાને એક વૈભવી વેનિટી વાન આપવા તૈયાર હતા. પરંતુ તેણે આ વાત માનવાથી ઇનકાર કરી દીધો હતો. ફિલ્મની ટીમે ફી બાબતે પણ વાટાઘાટો કરવાની કોશિશ કરી હતી, કારણ કે પ્રભાસે પણ આ રીતે ફી વધારો માગ્યો નથી.
તેમાં પણ દીપિકા અને તેની ટીમે કોઈ સમાધાન કરવાનો ઇનકાર કરી દીધો હતો.”દીપિકાને આ ફિલ્મમાંથી પડતી મુકવા બાબતે ઇન્ડસ્ટ્રીમાં વધુ કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે. ફિલ્મની ટીમને દીપિકાના ફી વધારા અને કામના કલાકોની શરતો ઉપરાંત અન્ય પણ પ્રશ્નો છે.
દીપિકા લગભગ ૨૫ લોકોની ટીમ સાથે સેટ પર આવે છે. એ બધાને શૂટ દરમિયાન તેમની ફી ઉપરાંત ૫ સ્ટાર સુવિધાઓ, ભોજન અને આવવા જવાના ખર્ચ સહિતની સુવિધાઓ આપવી પડે છે. આ અંગે ઇન્ડસ્ટ્રીના સુત્ર જણાવે છે, “એક કલાકારની ફી ઉપરાંત તેમના રહેવા અને જમવાના ખર્ચ પ્રોડ્યુસર્સ શા માટે ઉઠાવે? આ એક એવી સમસ્યા છે, જેનો ઘણા હિન્દી ફિલ્મ પ્રોડ્યુસર્સ પણ ભોગ બની રહ્યા છે.”પ્રોડ્યુસર્સે એક અન્ય મુદ્દો પણ ઉઠાવ્યો છે અને કહ્યું છે, કે દીપિકાને આગળ સ્પિરિટના મેકર્સ સાથે પણ આ જ મુદ્દે તકલીફ થઈ હતી. સુત્રોએ આ અંગે ખાતરીપૂર્વક વાત કરતા કહ્યું, “ફિલ્મ સફળ થઈ શકે તે માટે કલાકારોએ વધુ સાથ સહકાર આપવાની જરૂર છે.
સ્પિરિટમાં પણ આ જ પ્રશ્ન હતો, હવે કલકીમાં પણ આવું જ થયું.” પ્રોડ્યુસર્સના નિવેદનમાં જણાવાયું છે કે કલકી જેવી ફિલ્મ મોટા પાયે બની રહી હોય ત્યારે દરેકે સાથ સહકાર આપવો જોઈએ, તેમાં શિડ્યુલમાં બાંધ-છોડ અને વીએફએક્સની જરૂરિયાતોનો પણ સમાવેશ થાય છે.