ભરૂચનો છત્રીવાલા પરિવાર સંગીત વાદ્યોના રિપેરીંગ કામમાં વ્યસ્ત બન્યો

ગરબે ઘૂમતી વખતે ખેલૈયાઓ તાલ અને રીધમ સાથે બરાબર ઘૂમી શકે તે માટે તબલાં, ઢોલકને સરખાં કરવામાં આવી રહ્યા છે.
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) માં આધ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સંગીત કલાકારો સાથે સંગીત વાદ્યોનું રિપેરિંગ તેમજ વેચાણમાં વિક્રેતાઓ વ્યસ્ત બન્યા છે.
ભરૂચ સહિત જિલ્લામાં ખૂબ મોટા પાયે વિવિધ સ્થળે ગરબા આયોજનો થનાર છે.જેમાં વિવિધ ગરબા વૃંદો ગરબાની રમઝટ બોલાવશે.ત્યારે નવરાત્રી પૂર્વે હાર્મોનિયમ, તબલા, ઢોલક વિગેરે સંગીત વાદ્યોની મરામતની કામગીરી કારીગરોએ આરંભી દીધી છે. ગરબે ઘૂમતી વખતે ખેલૈયાઓ તાલ અને રીધમ સાથે બરાબર ઘૂમી શકે તે માટે તબલાં, ઢોલકને સરખાં કરવામાં આવી રહ્યા છે.
ભરૂચના હાજીખાના વિસ્તારમાં ચાર પેઢીથી સંગીત વાદ્યોના વ્યવસાય સાથે સંકળાયેલા છત્રીવાલા પરિવારના દીકરા માર્ગેશ જણાવે છે કે આ વર્ષે સંગીત વાદ્યોના રીપેરીંગ તેમજ વેચાણ સારું જણાઈ રહ્યું છે.જેથી ગરબામાં ખેલૈયાઓને પણ મજા આવશે. હિંદુ ધર્મમાં આવતા તમામ તહેવારોની ઉજવણીમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.
ત્યારે ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકી આદ્યશક્તિની આરાધના કરવા અને ગરબે રમવા રંગત જામી રહી છે તેમ કહી શકાય.