ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ૪૭૪ રાજકીય પક્ષોની નોંધણી રદ કરી

(એજન્સી)નવી દિલ્હી,ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરતા ૪૭૪ રાજકીય પક્ષોની નોંધણી રદ કરી છે. માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રજિસ્ટર્ડ પક્ષો સામે ચૂંટણી પંચની આ મોટી કાર્યવાહી છે. અગાઉ ઓગસ્ટમાં પણ ચૂંટણી પંચે ૩૩૪ પક્ષોની નોંધણી રદ કરી દીધી હતી. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ મુજબ, કોઈપણ નોંધાયેલ પક્ષે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો આવશ્યક છે. જો તે સતત છ વર્ષ સુધી ચૂંટણીમાં ભાગ ન લે તો તેની નોંધણી રદ કરી દેવામાં આવે છે. ચૂંટણી પંચે આ નિયમ હેઠળ આ કાર્યવાહી કરી છે.
ઓગસ્ટ મહિનાથી અત્યાર સુધીમાં કુલ ૮૦૮ પાર્ટીઓની નોંધણી રદ કરવામાં આવી છે.કોઈ પણ નોંધણી થયેલા રાજકીય પક્ષને કર મુક્તિ સહિત અનેક છૂટછાટો મળે છે. જો કે, છેલ્લા છ વર્ષથી ચૂંટણી ન લડવા છતાં આ છૂટછાટોનો લાભ લઈ રહેલા પક્ષો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકીય પક્ષ નોંધણી માટેની માર્ગદર્શિકા પ્રમાણે જો કોઈ પક્ષ છ વર્ષ સુધી ચૂંટણી ન લડે, તો તેની નોંધણી રદ કરી શકાય છે. ૨૦૧૯થી ચૂંટણી પંચ ચૂંટણી ન લડતી પાર્ટીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે.
આ અંતર્ગત ૯ ઓગસ્ટે પ્રથમ રાઉન્ડ અને ૧૮ સપ્ટેમ્બરના રોજ બીજા રાઉન્ડમાં બે મહિનાના સમયગાળામાં ૮૦૮ રાજકીય પક્ષોની નોંધણી રદ કરવામાં આવી છે. આ સિવાય ૩૫૯ અન્ય રાજકીય પક્ષો પણ રડાર પર છે, જેમણે છેલ્લા છ વર્ષમાં ચૂંટણી લડી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેમની નાણાકીય ઓડિટ માહિતી સબમિટ કરાવી નથી. ચૂંટણી પંચે જે પક્ષો સામે કાર્યવાહી કરી છે તે ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે.
સૌથી વધુ ૧૨૧ પક્ષો ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા હતા. આ ઉપરાંત, બિહારના ૧૫ પક્ષો, હરિયાણાના ૧૭ પક્ષો અને મધ્યપ્રદેશના ૨૩ પક્ષોનો પણ સમાવેશ થાય છે જેમની નોંધણી રદ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ૪૪ રાજકીય પક્ષોની નોંધણી રદ કરવામાં આવી છે. પંજાબના ૨૧ પક્ષોની નોંધણી રદ કરવામાં આવી છે.