Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીનો ભાવનગરમાં આજે ભવ્ય રોડ શો : કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોથલની કરશે વિઝીટ

ભાવનગર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ એક દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ભાવનગરમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા નવા વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરવાના છે.ભાવનગર શહેરમાં મહિલા સર્કલથી PM મોદીના આ ભવ્ય રોડ શોની શરૂઆત થશે, જે બાદમાં ઘોઘા સર્કલ તથા રૂપાણી સર્કલ થઈને જવાહર મેદાન સુધી પહોંચશે. જ્યાં જવાહર મેદાન ખાતે વડાપ્રધાન જંગી સભાને સંબોધન કરશે. ત્યારે મોદીની આ મુલાકાત સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગરના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પીએમ મોદી ભાવનગર સભા સ્થળ પહોંચે એ પહેલા પીએમ મોદીના રોડ શોને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.

ત્યારે સ્થાનિક નેતાઓ પણ રોડ શોને લઈને તૈયારીમાં જોતરાઈ ગયા છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ ઓગસ્ટના અંતમાં પણ PM મોદી ગુજરાત મુલાકાતે આવ્યા હતા, ત્યારે અમદાવાદ શહેરમાં પણ તેઓએ રોડ શો યોજીને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું, ત્યારે આગામી ૨૦ તારીખે આવો જ ભવ્ય રોડ શો ભાવનગરમાં પણ યોજાવા જઈ રહ્યો છે.

તે દિવસે ભાવનગરમાં કેટલાક રૂટને ડાયવર્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી ૨૦મી સપ્ટેમ્બરે લોથલની મુલાકાત પણ લેવાના છે, જ્યાં લગભગ રૂ. ૪૫૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર નેશનલ મેરિટાઇમ હેરિટેજ કામ્પ્લેક્સ પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરવાના છે.આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આગામી ૨૦ તારીખનો એક દિવસીય ગુજરાત પ્રવાસ ભાવનગર સહિત સૌરાષ્ટ્ર માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કારણ કે, આ મુલાકાતને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકદિવસીય ગુજરાતના પશ્ચિમ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર એવા ભાવનગર મુલાકાતે આવી રહ્યા છે. ભાવનગર મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદી લોથલની મુલાકાત લેવાના છે.વિશ્વપ્રસિદ્ધ લોથલ પુરાતત્વ સ્થળની રૂબરૂ મુલાકાત લેશે કે જ્યાં સિંધુ ઘાટી સંસ્કૃતિના વૈભવ અને હેરિટેજ મ્યુઝિયમનું અવલોકન કરીને રાજ્યના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધોલેરા અને લોથલ બંને સ્થળોના અધિકારીઓ તથા પ્રોજેક્ટ ટીમો સાથે સમીક્ષા કરશે, તેમજ પ્રદેશના વિકાસ, રોજગાર સર્જન અને આંતરરાષ્ટ્રીય રોકાણના નવા અવસરો પર વિચારવિમર્શ કરશે.

મહત્વનું છે કે, લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જે હડપ્પન સંસ્કૃતિના ગુજરાત ખાતે લોથલમાં આર્કિયોલોજિસ્ટ્‌સને પ્રાપ્ત થયેલા ૫૦૦૦ વર્ષ અગાઉના પણ વિકસિત એવા ડોકયાર્ડના સ્થાને વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ ૫૦૦૦ વર્ષ જૂના લોથલને જીવંત કરતો મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં પ્રોજેક્ટ સમીક્ષા પીએમ મોદી કરવાના છે.

આ આખો પ્રોજેક્ટ ત્રણ ફેઝમાં આકાર લઈ રહ્યો છે. જેનો પ્રથમ ફેઝ પૂર્ણ થઈ રહ્યો છે. ધોળકા વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ લોથલના પ્રોજેક્ટ અંગે જણાવ્યું કે, લોથલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ તૈયાર થઈ જશે ત્યારે ત્યાં લોકોને ૫૦૦૦ વર્ષ અગાઉ ભારત કઈ રીતે સમુદ્ર માર્ગે વ્યાપાર કરતું, આપણી એ સમયની જીવનશૈલી અને સભ્યતા કેવી હતી એનો તાદૃશ અનુભવ મળશે. ૫૦૦૦ વર્ષ અગાઉ આપણે મેરિટાઈમ ક્ષેત્રે કેટલા વિકસિત હતા અથવા તો આપણી પાસે તેનું કેટલું જ્ઞાન હતું તેની જાણકારી આ કોમ્પ્લેક્સની મુલાકાત પર પ્રાપ્ત થશે.

અદ્દલ લોથલ સંસ્કૃતિને અહીં જીવંત કરાશે જેથી મુલાકાતી અહીં આવશે તો તેઓને ૫૦૦૦ વર્ષ જૂની સભ્યતા, કાર્યશૈલીનો અને જીવનશૈલીનો અનુભવ થશે. મુલાકાતીઓ અહીં ૫૦૦૦ વર્ષ અગાઉ જે રીતે દુકાનો લગાવાતી એવી દુકાનોમાંથી ખરીદી કરી શકશે અને ખરીદી માટે એ જ સમયમાં જે રીતે સિક્કાઓનો ઉપયોગ થતો એ કરવાનો રહેશે.ભારતમાં ૧૨ સમુદ્ર કાંઠે રહેલા રાજ્યો કે જ્યાંથી સમુદ્ર માર્ગે વ્યાપાર થતો હતો. આ ૧૨ રાજ્યો પણ આ હેરિટેજ કોમ્પ્લેક્સમાં પોતાની એક-એક ગેલેરી હશે. જ્યાં એ સમયનો મેરિટાઈમ ઇતિહાસ જોઈ શકાશે.

આમ પ્રોજેક્ટથી અમારા વિસ્તારના લોકો માટે તથા આ સ્થળની આસપાસના લોકો માટે પણ રોજગારીની અનેક તકો ઊભી થશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માફક પ્રવાસન સ્થળ પણ વિકસિત બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.