વિજાપુરના ગેરિતાની પરિણીતા પર વહેમ રાખી ગરમ તેલમાં હાથ નખાવ્યા

મહેસાણા, વિજાપુર તાલુકાના ગેરિતાની પરિણીતા પર વહેમ રાખી પરીક્ષા લેવા તેની નણંદ-નણદોઈ સહિત ચાર જણાએ બળજબરીથી ગરમ તેલમાં હાથ નખાવતાં દાઝી ગયેલી પરિણીતાને સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડાઈ હતી.
આ બાબતે વિજાપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.વિજાપુર તાલુકાના ગેરિતા ગામે સાસરીમાં પતિ અને બે સંતાનો સાથે રહેતાં નિરૂબેન રમેશભાઈ ઠાકોર (ઉં.વ.૨૮)નું પિયર મહેસાણા તાલુકાના હેબુવા ગામમાં થાય છે.
ગત મંગળવારે સવારે તેઓ ઘરે કામ કરતાં હતાં ત્યારે તેમનાં નણંદ જમનાબેન મનુભાઈ ઠાકોરે તેમની પાસે આવીને તારી ચાલ-ચલગત સારી નથી એમ કહીંને તેમની પર ખોટો વહેમ રાખી અપશબ્દો બોલવા લાગ્યાં હતાં.
નિરૂબેને આવું કોઈ કાર્ય ન કર્યું હોવાનું જણાવ્યું હતું. જેથી જમનાબેન ઉશ્કેરાઈ ગયાં હતાં અને તેમના પતિ મનુભાઈ રામશીભાઈ ઠાકોર, દયાલભાઈ રામશીભાઈ ઠાકોર અને હીરાભાઈ સોમાભાઈ ઠાકોરને બોલાવી લાવ્યાં હતાં.તું ખોટું બોલે છે તેમ કહીં જમનાબેને ઘરમાં ચૂલા ઉપર કડાઈમાં તેલ ગરમ થવા મુકીને કહ્યું કે, સાચી હોય તો આ ગરમ તેલમાં હાથ નાખ.
જેથી નિરૂબેને ના પાડતાં જમનાબેને હાથથી માર મારીને તેમજ અન્ય ત્રણ જણાએ પણ તેમની સાથે હાથાપાઈ કરીને લાફા મારીને બળજબરીપૂર્વક તેણીના હાથ કડાઈમાં ઉકળતા ગરમ તેલમાં નખાવતાં તેણી દાઝ્યાં હતાં. જમનાબેને તપેલીમાં ગરમ તેલ લઈને હાથ નાખ નહીં તો મારી નાખીશ તેમ કહીં તેણીના જમણા પગ ઉપર તેલ નાખતાં પગે પણ દાઝ્યાં હતાં.
ત્યાર બાદ નિરૂબેનના પતિ રમેશભાઈ આવી જતાં તેણીને સારવાર માટે લઈ ગયા હતા. નિરૂબેનના નિવેદનના આધારે વિજાપુર પોલીસે જમનાબેન સહિત ચારેય જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS