‘નેશનલ હાઇવે પર મને ૪ ઈ-મેમો મળ્યા, પરંતુ ટોયલેટ ના મળ્યું’

ત્રિવેન્દ્રમ, વિકસિત દેશોની તુલનામાં ભારતે હજુ ઘણું બધું કરવાનું બાકી છે. ભારતમાં આજે પણ જાહેર માળખાકીય સુવિધાઓનો અભાવ છે. પાયાની સુવિધાના અભાવે સામાન્ય નાગરિકોને રોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ એ સુવિધાના અભાવે કોઇ વગદાર કે પ્રતિષ્ઠિત કે ઓથોરિટીના વ્યક્તિને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે તંત્રની પોલ ખુલી જાય છે.
આવા જ એક મામલામાં કેરળ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(એનએચએઆઈ)ને જોરદાર ફટકાર લગાવી છે. હાઈકોર્ટે કહ્યું કે નેશનલ હાઈવે ઓથોરિટી પબ્લિક ટોયલેટ(જાહેર શૌચાલય)ની દેખરેખ રાખવામાં સક્ષમ નથી.
જસ્ટિસ અમિત રાવલ અને પીવી બાલાકૃષ્ણનની એક ડિવીઝન બેન્ચે પેટ્રોલ પંપ ઉપર ઉપલબ્ધ ટોયલેટના ઉપયોગને લઈને દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતી વખતે કહ્યું કે હાઈવે પર જો કોઈ શૌચાલય મળી પણ જાય છે તો તેની દશા જોવાલાયક હોતી નથી.
સુનાવણી દરમિયાન, જસ્ટિસ રાવલે જયપુરથી રણથંભૌરની પોતાની યાત્રાને યાદ કરીને કહ્યું કે તેમને રસ્તામાં એક પણ શૌચાલય નહોતું મળ્યું. ઉલ્ટાનું શૌચાલય શોધવાની લ્હાયમાં રસ્તામાં ઓવર સ્પીડના કારણે મને ચાર વખત ઇ-મેમો મળી ગયો.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ પંપના માલિકોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે તેમના ટોયલેટને પબ્લિક માટે ખોલી શકાય નહીં. તેના પર હાઈકોર્ટે કહ્યું કે હાઇવે પર પબ્લિક ટોયલેટની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે.
અન્ય દેશોની તુલનામાં ભારતમાં પબ્લિક ટોયલેટ ખૂબ ઓછા છે.આ સાથે કેરળ હાઈકોર્ટના જસ્ટિસ રાવલે એમ પણ કહ્યું કે હકીકતમાં આ ફરજ નેશનલ હાઈવે ઓથોરિટીની છે. જો તમે વિદેશમાં જાઓ છો તો થોડાક અંતરે તમને સ્ટોપ મળી જશે, જ્યાં ચા-કોફી પણ પી શકો છો.
આ સિવાય ટોયલેટનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ આપણે(ભારત)માં અહીં એવું નથી. અને જો હાઈવે પર પબ્લિક ટોયલેટ છે તો પણ તે નક્કામા છે. હવે આખો ભાર પેટ્રોલ પંપ પર આવી જાય છે. આ ખૂબ ખરાબ બાબત છે.
કેરળ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને સિંગલ જજ જજની બેન્ચના એ આદેશને પડકાર્યાે હતો, જેમાં કહ્યું હતું કે હાઇવે પર પેટ્રોલ પંપના ટોયલેટ સામાન્ય લોકોના ઉપયોગ માટે ખુલ્લા રાખવા જોઈએ. હાઈકોર્ટે સિંગલ જજની બેન્ચના આદેશમાં સુધારો કરીને કહ્યું કે જો ફ્યુલ સ્ટેશન હાઈવે પર નથી, તો એ સામાન્ય લોકોને ટોયલેટના ઉપયોગથી રોકી પણ શકે છે.SS1MS