મણિપુરમાં અર્ધલશ્કરી દળોના કાફલા પરના હુમલામાં બે જવાન શહીદ, પાંચ ઘાયલ

મણિપુર, મણિપુરના વિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે સાંજે હથિયારો સાથેના એક જૂથે અર્ધલશ્કરી દળોના વાહન પર ભીષણ હુમલો કર્યાે હતો. આ હુમલામાં બે જવાનો શહીદ થયાં હતા તથા પાંચ ઘાયલ થયા હોવાનું જણાયું હતું.
રક્ષા મંત્રાલયના પીઆરઓના જણાવ્યા મુજબ આ હુમલો સાંજે ૫.૫૦ વાગ્યે થયો હતો. ૩૩ આસામ રાઇફલ્સના જવાનોને લઈ જઈ રહેલા વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું.પેરા મિલિટરી દળનો કાફલો પાત્સોઈ ઓપરેટિંગ બેઝથી નામ્બો બેઝ જઈ રહ્યો હતો ત્યારે નામ્બોલ સબલ લેઈકાઈ વિસ્તારમાં હથિયાર સાથેના લોકો ત્રાટક્યા હતા.
એક જેસીઓ તથા એક જવાનનું મોત થયું જ્યારે ઘાયલ પાંચ જવાનોને સૈનિકો તથા સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કોઈપણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
આ હુમલા પાછળ સંડોવાયેલા આતંકવાદીઓની તપાસ ચાલુ છે અને કોઈને પણ છોડવામાં નહીં આવે. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ આ હુમલાને સખત શબ્દોમાં વખોડ્યો હતો અને આ પ્રકારની ક્‰રતા ચલાવી લેવાશે નહીં તેમ જણાવ્યું હતું. રાજ્યપાલે આ હિંસક હુમલામાં મૃત્યુ પામેલા બે જવાનો પ્રત્યે ઊંડો ખેદ વ્યક્ત કરતા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
આ સાથે જ ઘાયલ જવાનો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી. પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાના મજબૂત સંકલ્પ સાથે હુમલાખોરોનો સામનો કરવામાં આવશે તેવી ચેતવણી તેમણે આપી હતી.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહે હુમલાની આકરી નિંદા કરતા જણાવ્યું કે, આ હુમલાથી હું સ્તબ્ધ છું. બે જવાનો શહીદ જ્યારે પાંચ ઘાયલ થતાં બધાને ઊંડો આઘાત લાગ્યો છે. શહીદોના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. આ જઘન્ય કૃત્ય પાછળ જવાબદાર દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ.SS1MS