Western Times News

Gujarati News

વડોદરાના સુપ્રસિદ્ધ “યુનાઇટેડ વે”માં ખેલૈયાઓને છેલ્લા દિવસ સુધી પાસ ન મળતાં અફરાતફરી

પ્રતિકાત્મક

વડોદરાના અલકાપુરી ક્લબ ખાતે યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણમાં ભીડ બેકાબૂ બની હતી

વડોદરા,  ગુજરાતમાં આવતીકાલથી એટલે કે, ૨૨મી સપ્ટેમ્બરથી આસો નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત ગરબામાં વડોદરાના યુનાઇટેડ વેનો ડંકો વાગે છે. તેમ છતાં પણ નવરાત્રી શરૂ થાય તે પહેલા યુનાઇટેડ વેમાં કોઈને કોઈ મુદ્દો ગરમાતો હોય છે. ગયા વર્ષે કાંકરા અને કાદવનો મુદ્દો ગરમાયો હતો તો આ વખતે પાસ વિતરણ મામલે લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યાં છે.

લોકો હજારો રૂપિયા ખર્ચીને યુનાઇટેડ વેના પાસ લેતા હોય છે પરંતુ આ વખતે નવરાત્રીના આગલા દિવસ સુધી પણ ખેલૈયાઓને પાસ નથી મળ્યાં. બુકિંગ કરાવેલા પાસ માટે પણ લોકોને બેથી ત્રણ કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે. ત્યારે અલકાપુરી ક્લબ ખાતે પાસ વિતરણના આયોજનમાં લોકોમાં આક્રોશ છવાતાં મુખ્ય દરવાજાના કાચ તોડ્યા હતા. આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. જેમને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અલકાપુરી ક્લબ ખાતે યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણમાં ભીડ બેકાબૂ બની હતી. આ પાસ વિતરણમાં તોડફોડ પણ થઈ હતી. જેમાં મહિલા સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. પાસ વિતરણ માટે માત્ર એક મશીન મૂકવામાં આવતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. ખેલૈયાઓ સવારના ઊભા હતા જેમને બપોર સુધી પાસ ન મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

લોકોએ ગુસ્સામાં મુખ્ય દરવાજાના કાચ તોડવાની પણ ઘટના બની હતી. જોકે, અહીં ભીડ બેકાબૂ થતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. કલાકોથી લાઇનમાં ઊભેલા લોકો અવ્યવસ્થાને કારણે રોષે ભરાયા હતા.

ગરબા પાસ લેવા આવેલી એક યુવતીએ જણાવ્યુ કે, મહિના પહેલા મેં બુકિંગ કરાવ્યું છે તે અંગે બેથી ત્રણવાર ફોન કર્યા પણ કોઈ પાસ આવ્યો નથી. ફોનમાં એવું જ કહે છે કે, ૨૧મી પહેલા પાસ આવી જશે પણ આજે પણ પાસ નથી આવ્યા કે કોઈ વિગત પણ આવી નથી. અમે સવારે ૧૦ વાગ્યાથી અહીં ઊભા છે કોઈ જ વ્યવસ્થા જોવા મળતી નથી.

બિલ ગામથી આવેલા વ્યક્તિએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ કે, અમે આશરે ૨૫ દિવસ પહેલા બુકિંગ કરાવ્યુ હતુ. અમે આનો ડિલીવરી ચાર્જ પણ ભરેલો છે પણ તે છતાં અમારો પાસ આવ્યો નથી. અમે પાસ લેવા માટે આવ્યા છે અને સવારથી ઊભા છે. અહીં કોઈ જ વ્યવસ્થા નથી. અન્ય એક વ્યક્તિએ જણાવ્યુ કે, અમે પાસ માટે પૈસા ભર્યા છે અને આ રીતે બધાને લાઈનમાં ઊભા રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.