100 દુઃખોની એક જ દવા, આત્મનિર્ભર ભારતઃ મોદી

ભાવનગરમાંથી મોદીનો દેશને મેસેજ-ચીપ હોય કે શીપ, આપણે ભારતમાં જ બનાવવા પડશે- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભાવનગરમાં નવો મંત્ર
ભાવનગર, દેશના વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાત લીધી હતી. તેમણે આ દરમિયાન રોડ શો પણ યોજ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવેણાવાસીઓને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ ભાવનગરથી લોથલ જવા રવાના થયા હતા.
ભાવનગરમાં તેમના સમર્થકો અને ચાહકોની ભીડ ઉમટી હતી. અહીં આયોજિત સમુદ્ર સે સમુદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશવાસીઓને એક લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી હતી. પીએમ મોદીના આગમનના પગલે ભાવનગર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દઈને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
વડાપ્રધાને જણાવ્યું કે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત થવા માટે ભારતનું આત્મનિર્ભર બનવું અનિવાર્ય છે. તેમણે ચીપ હોય કે શીપ, આપણે ભારતમાં જ બનાવવા પડશે નો નારો આપ્યો અને કહ્યું કે આ જ વિચાર સાથે આજે ભારત મેરિટાઇમ સેક્ટરમાં નેક્સ્ટ જનરેશન રિફોર્મ કરવા જઈ રહ્યું છે. તેમણે એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે હવે સરકારે મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે માન્યતા આપી દીધી છે, જે દેશના મેરિટાઇમ સેક્ટરને મજબૂતી આપશે.
પીએમ મોદીએ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આઝાદી પછી કોંગ્રેસે ભારતની દરેક ક્ષમતાને નજરઅંદાજ કરી, જેના કારણે ૬-૭ દાયકા બાદ પણ ભારત તે સફળતા પ્રાપ્ત કરી શક્્યું નથી જેનો તે હકદાર હતો. તેમણે આ માટે બે મોટા કારણો આપ્યાઃ લાંબા સમય સુધી કોંગ્રેસ સરકારે દેશને લાયસન્સ-કોટા રાજમાં ફસાવી રાખ્યો અને દેશને વૈશ્વિક બજારથી અલગ-થલગ રાખ્યો, જેનાથી યુવાનોને મોટું નુકસાન થયું.
વડાપ્રધાને ભાવનગરના લોકોને સંબોધતા કહ્યું કે તેઓ એવા સમયે અહીં આવ્યા છે જ્યારે નવરાત્રિનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે આ વખતે જીએસટીમાં ઘટાડાને કારણે બજારોમાં વધુ રોનક જોવા મળશે અને આ ઉત્સવના માહોલમાં આપણે સમુદ્રથી સમૃદ્ધિનો મહા-ઉત્સવ મનાવી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતને જો ૨૦૪૭ સુધીમાં વિકસિત થવું હોય તો તેને આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર બનવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ૧૪૦ કરોડ દેશવાસીઓએ એક સંકલ્પ લેવો જોઈએ કે, ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી છે.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, હવે વ્યાપાર અને કારોબારને વધુ સરળ બનાવવાનો સમય છે. તેમણે કહ્યું કે, તાજેતરના મોનસૂન સત્ર દરમિયાન સંસદમાં અમે અંગ્રેજોના સમયથી ચાલી આવતા ઘણા જૂના કાયદાઓને બદલ્યા છે. મેરીટાઇમ સેક્ટરમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા કાયદાઓથી શિપિંગ સેક્ટરમાં મોટો બદલાવ આવવાની શક્્યતા છે, જે આ ક્ષેત્રને વધુ ગતિ આપશે.
ગુજરાતીમાં એક કહેવત છે, ૧૦૦ દુઃખની એક દવા, અને મારા મતે, આ ૧૦૦ દુઃખોની એક જ દવા છે – આત્મનિર્ભર ભારત. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આત્મનિર્ભર બનવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે અને અન્ય દેશો પરની આપણી નિર્ભરતા સતત ઘટાડવી પડશે. ભારતને આત્મનિર્ભર બનીને દુનિયા સામે મજબૂતીથી ઊભા થવું પડશે. આ જ આપણા ભવિષ્યની સુરક્ષા માટે એકમાત્ર માર્ગ છે.
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે ૨૧મી સદીનું ભારત સમુદ્રને એક મોટા અવસર તરીકે જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત આજે વિશ્વબંધુની ભાવના સાથે આગળ વધી રહ્યું છે અને દુનિયામાં આપણો કોઈ મોટો દુશ્મન નથી. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સાચા અર્થમાં જો આપણો કોઈ દુશ્મન હોય તો તે બીજા દેશો પરની આપણી નિર્ભરતા છે. તેમણે આ નિર્ભરતાને હરાવવા માટે સૌને સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ૧૭ સપ્ટેમ્બરે તમે સૌએ તમારા નરેન્દ્ર ભાઈને જે શુભેચ્છાઓ મોકલી છે, દેશ અને દુનિયામાંથી મને જે શુભેચ્છાઓ મળી છે, તે દરેકનો વ્યક્તિગત રીતે આભાર માનવો શક્્ય નથી. પરંતુ, ભારતના ખૂણેખૂણેથી અને વિશ્વભરમાંથી મને જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે, તે મારી સૌથી મોટી સંપત્તિ છે, તે મારી સૌથી મોટી તાકાત છે. તેથી, આજે હું જાહેર મંચ પરથી દેશ અને દુનિયાના તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ ભાવનગરમાં થઈ રહ્યો છે, પરંતુ આ કાર્યક્રમ સમગ્ર ભારતનો છે. સમગ્ર ભારતમાં સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવાની આપણી દિશા શું છે, તે માટે આજે આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું કેન્દ્ર ભાવનગરને પસંદ કરવામાં આવ્યું છે.
ગુજરાત અને ભાવનગરના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. ભાવનગર પહોંચતા જ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીએ આગામી સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ માટે યોજાયેલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ભાવનગરમાં વડાપ્રધાને ૨૭,૦૦૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.