Western Times News

Gujarati News

ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટીના બીટેકના વિદ્યાર્થીનો ફાંસો ખાઇ આપઘાત

ગાંધીનગર, ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટીમાં બીટેકના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં ૧૮ વર્ષીય યુવકે પોતાની હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતું. ભણતરના ભારથી યુવકે જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ઈન્ફોસિટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ સુરતનો સ્મિત અરવિંદભાઈ ટિમ્બાળીયા કર્ણાવતી કોલેજમાં બીટેકના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. સ્મિત અને અન્ય ત્રણ વિદ્યાર્થી કુડાસણ ઓર્બિટ મોલ ખાતે યુનાઇટેડ હોમ્સ નામની હોસ્ટેલમાં આઠમાં માળે રૂમ નં. ૮૨૩માં રહેતા હતા.

સ્મિત છેલ્લા દોઢેક વર્ષથી અત્રેની હોસ્ટેલમાં રહેતો હતો. સ્મિતનો પરિવાર સુરતમાં રહે છે અને તેના પિતા વેપારી છે. શનિવારે મોડી સાંજે સ્મિતના રૂમમેટ હોસ્ટેલમાં નીચે હતા અને સ્મિત એકલો જ હતો.

થોડીવાર પછી તેનો એક રૂમમેટ આઠમા માળે ગયો હતો અને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. લાંબા સમય સુધી સ્મિતે દરવાજો ન ખોલાતા અન્ય લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં બધાએ ભેગા મળીને દરવાજો ખોલ્યો હતો. રૂમમાં સ્મિતે પંખા સાથે દુપટ્ટા બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

સ્મિતને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તબીબે સ્મિતને મૃત જાહેર કર્યાે હતો.બનાવની જાણ થતા ઇન્ફોસિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન સ્મિત અભ્યાસના ટેન્શનમાં રહેતો હોવાનું જાણવા મળ્યુ હતું. સ્મિતના રૂમમાંથી સુસાઈડ નોટ મળી આવી નથી, પરંતુ પોલીસે અન્ય સંભવિત કારણો અંગે પણ તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.