તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે તેમ કહી શિક્ષિકાને ધમકાવી ૩૦ લાખ પડાવ્યા

ગાંધીનગર, હાલમાં સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા મહિલા શિક્ષિકાને સીબીઆઈ ઓફિસરની ઓળખ આપીને સાયબર ગઠિયાઓ દ્વારા તબક્કાવાર ૩૦ લાખ રૃપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના બહાર આવી છે. જે મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર દેશમાં હાલ સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને ડિજિટલ એરેસ્ટ કરીને આ ગઠિયાઓ દ્વારા ધાક ધમકી આપીને લાખો કરોડો રૃપિયા પડાવવામાં આવી રહ્યા છે ત્યારે ફરી વખત ગાંધીનગર જિલ્લામાં આ ટોળકીએ વધુ એક મહિલા શિક્ષિકાને ભોગ બનાવ્યો છે.
જે ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે કલોલમાં રહેતા અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતા મહિલાને ગત ૪ એપ્રિલના રોજ તેમના મોબાઈલ ઉપર વોટ્સએપ વિડીયો કોલ આવ્યો હતો અને કોલ કરનારે પોતાનું નામ મોહિત શર્મા જણાવ્યું હતું અને સીબીઆઇ ઓફિસર તરીકેની ઓળખ આપી હતી.
જેણે આ શિક્ષિકાને કહ્યું હતું કે તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે ત્યારબાદ ધમકાવી હતી અને જો આગળ કાર્યવાહી ના કરવી હોય તો ૧૮,૦૦૦ની માંગણી કરી હતી. જે ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ મોહિત શર્માએ અન્ય બે વ્યક્તિઓનો પરિચય કરાવ્યો હતો જેમાં એક દેવાંશીશ મિશ્રા જે એસબીઆઇ બેન્કમાં ચીફ જનરલ મેનેજર હોવાનું કહ્યું હતું અને ત્યારબાદ સેન્ટ્રલ બેન્કના મેનેજર તરીકે પણ અન્ય એક વ્યક્તિએ ઓળખ આપી હતી.
જેમણે દિવસમાં સતત ૧૦ થી ૧૫ વખત વોટ્સએપ કોલ કરીને તેમની સમગ્ર વિગત મેળવી લીધી હતી. આ સાયબર ટોળકી દ્વારા શિક્ષિકાની માતાનું બેન્ક ખાતાનું ઓનલાઈન નેટબેન્કિંગ ચાલુ કરાવીને તેનો એક્સેસ મેળવી લીધો હતો અને શિક્ષિકાને વિશ્વાસ અપાવ્યો હતો કે તમારા રૃપિયા બમણા થઈને સરકાર પરત કરી દેશે.
આમ તબક્કાવાર કુલ ૨૯.૯૦ લાખ રૃપિયા જુદાજુદા બેંક ખાતાઓમાં જમા કરાવડાવ્યા હતા. જોકે તેમને રૃપિયા પરત મળ્યા ન હતા અને ત્યારબાદ સગા સંબંધીઓને આ સંદર્ભે વાત કરતા તેમની સાથે સાયબર ળોડ કરવામાં આવ્યો હોવાનું બહાર આવતા સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ આપી હતી અને ત્યારબાદ હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.SS1MS