Western Times News

Gujarati News

માસિક 1.75 લાખની કમાણી કરે છે કચ્છના સોનલબેન ગોયલઃ ડેરી અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓ બની આત્મનિર્ભર

પશુપાલન ક્ષેત્રે નારીશક્તિ: ગુજરાતના ડેરી ઉદ્યોગના વિકાસમાં લાખો મહિલા પશુપાલકો આપી રહી છે અભૂતપૂર્વ યોગદાન

છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં વિવિધ પશુપાલન યોજનાઓ હેઠળ મહિલા લાભાર્થીઓની સંખ્યા 2 લાખથી વધુ; 4986 જેટલી મંડળીઓ મહિલા સંચાલિત

બનાસ ડેરીમાં મહિલા સભાસદો વર્ષે 50 લાખથી વધુ રકમનું દૂધ જમા કરાવીને આર્થિક રીતે બની સક્ષમ

ગાંધીનગર, 21 સપ્ટેમ્બર, 2025: નવરાત્રિનો તહેવાર મા શક્તિના નવ સ્વરૂપોની ઉજવણી કરે છે, જે મહિલાઓની શક્તિનું પ્રતીક છે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરી રહી છે, અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ પર ભાર મૂક્યો છે. ગુજરાતમાં પણ વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પ્રગતિ કરી રહી છે અને ખાસ કરીને રાજ્યના પશુપાલન ક્ષેત્રનો વિકાસ તો મહિલાઓને જ આભારી છે.

આજે ગુજરાતની લાખો મહિલા પશુપાલકો ડેરી સહકારી મંડળીઓનું નેતૃત્વ કરીને, સારી આવક કમાઈને તેમના સમુદાયોમાં પરિવર્તન લાવી રહી છે. આનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે, જેમના નોંધપાત્ર પ્રયાસોના કારણે ડેરી ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારી વધી છે. તેમના પ્રયાસોને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમ ગતિએ આગળ વધારી રહ્યા છે, જેના પરિણામે આજે ગુજરાતમાં લાખો મહિલાઓ પશુપાલન ક્ષેત્રે સક્રિય યોગદાન આપી રહી છે.

કચ્છના સોનલબેન ગોયલ પશુપાલન થકી માસિક ₹1,75,000ની કમાણી કરે છે

 એક સમયે મારી પાસે 3 દુધાળા પશુ હતા અને મને માસિક ₹12,000ની આવક થતી હતી. આજે રાજ્ય સરકારની મદદથી હું માસિક ₹1,75,000ની કમાણી કરું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાનું સ્વપ્ન સેવ્યું છે તે અમારા માટે વાસ્તવિકતા બની ગયું છે.આ શબ્દો છે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના પત્રી ગામમાં રહેતા સોનલબેન ગોયલના, જેઓ રાજ્ય સરકારની સ્વરોજગારીના હેતુ- પશુપાલન વ્યવસાય માટે 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના થકી આર્થિક રીતે સ્વતંત્ર અને સશક્ત બન્યા છે. માત્ર સોનલબેન જ નહીં, પરંતુ રાજ્યની હજારો મહિલાઓ આજે દૂધ સહકારી મંડળીઓનું નેતૃત્વ કરી રહી છે અને લાખોની કમાણી કરી રહી છે.

 ગુજરાતમાં ડેરી અને પશુપાલનમાં મહિલાઓની ભૂમિકા નોંધપાત્ર

 ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં મહિલાઓ માટે ડેરી ઉદ્યોગ એ આર્થિક સ્વતંત્રતા અને સશક્તિકરણનું મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે. આ મહિલાઓ તેમના પરિવારોની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા ઉપરાંત, પરિવારનું આરોગ્ય અને શિક્ષણ પણ સુનિશ્ચિત કરી રહી છે. મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓ અને મહિલાઓ માટેની સરકારની  વિવિધ યોજનાઓ દ્વારા તેઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બની છે. નોંધનીય બાબત એ છે કે, આજે પશુપાલન અને દૂધ ઉત્પાદનની વિવિધ કામગીરીમાં મહિલાઓનું યોગદાન લગભગ 70 ટકા છે.

 રાજ્યમાં 21,000 થી વધુ મંડળીમાંથી 4986 જેટલી મંડળીઓ મહિલા સંચાલિત

 ગુજરાતના પશુપાલન ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા સંચાલિત ડેરી કો-ઓપરેટિવ્સ અને સ્વસહાય જૂથોની સંખ્યા પણ નોંધનીય છે. રાજ્યમાં કુલ 21,000 થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે જેમાંથી 4986 જેટલી મહિલા સંચાલિત મંડળીઓ છે. રાજ્યના કુલ 32 લાખથી વધુ સભાસદો પૈકી 10 લાખથી વધુ સભાસદો મહિલા છે. બનાસ ડેરી જેવી મોટી ડેરીઓમાં, જ્યાં એક દિવસમાં મહતમ 1 કરોડ લિટર જેટલું દૂધ સંપાદન થાય છે, ત્યાં પણ મહિલા પશુપાલકોનું નોંધપાત્ર યોગદાન છે. બનાસ ડેરીમાં ઘણી મોટી સંખ્યામાં મહિલા સભાસદો વર્ષે 50 લાખથી વધુ રકમનું દૂધ જમા કરાવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની છે.

 રાજ્ય સરકારની મદદથી આજે કચ્છના સોનલબેન કરે છે માસિક ₹1,75,000ની કમાણી

 ગુજરાત સરકારની 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના કેટલીય મહિલાઓની આત્મનિર્ભરતા માટે ચાવીરૂપ સાબિત થઈ છે. કચ્છના સોનલબેન નારણભાઈ ગોયલે લોકડાઉનના સમયનો સદુપયોગ કરીને આઈ-ખેડૂત પોર્ટલ પર આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી હતી. ત્યારબાદ તેમણે બૅન્કમાંથી ધિરાણ મેળવીને 50 દુધાળા પશુની ખરીદી કરીને શેડ બનાવ્યો અને સાથે દોહવાનું મશીન, ઘાસ કાપવાનું ચાફ કટર મશીન, ફોગર સિસ્ટમની ખરીદી પણ કરી હતી.

સોનલબેન ગોયલ જણાવે છે કે, “મને આ યોજના હેઠળ કુલ ₹7,99,111ની સહાય મળી હતી. આ યોજનાની સહાય મળી એ પહેલાં મારી માસિક આવક ₹12,000 હતી અને હવે અમે 170 લિટર દૂધ સંપાદન કરીએ છીએ. આ ઉપરાંત, દૂધમાંથી ચોખ્ખું ઘી અને છાશ બનાવીને તેમજ ગૌ મૂત્રનું પણ વેચાણ કરીને આજે હું માસિક ₹1,75,000ની કમાણી કરું છું. અમારા જેવા મહિલા પશુપાલકોને સતત સમર્થન આપવા બદલ હું રાજ્ય સરકારનો ખૂબ-ખૂબ આભાર માનું છું.

 A-HELP યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓને આપવામાં આવે છે વિશેષ તાલીમ

 કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ અને તાલીમ કાર્યક્રમો દ્વારા ડેરી અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે. કેન્દ્ર સરકારની A-HELP યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓને પશુપાલનની વિવિધ કામગીરી અંગે તાલીમ આપવામાં આવે છે, જેમાં કૃમિનાશક દવા પીવડાવવી, પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓના પ્રચારની કામગીરી, પશુધન વસ્તી ગણતરીની કામગીરી, ઇયર ટૅગિંગની વગેરે કામગીરીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ૪૮૦ જેટલી પશુ સખીઓને RSETI (ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા) ખાતે પશુપાલનની વિશેષ તાલીમ આપીને A-HELP બનાવવામાં આવેલ છે.

 છેલ્લા 10 વર્ષમાં પશુપાલન ક્ષેત્રે મહિલાઓની ભાગીદારીમાં નોંધાયો અભૂતપૂર્વ વધારો

 છેલ્લા 10 વર્ષમાં પશુપાલન ખાતા હેઠળ વિવિધ યોજનાઓ માટે લાભ લીધેલ મહિલા લાભાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી છે. આંકડા પર નજર નાખીએ તો, 2014-15માં નાણાંકીય સહાયનો લાભ મેળવનારી મહિલાઓની સંખ્યા ફક્ત 805 હતી, જ્યારે 2024-25 માટે અત્યારસુધીમાં 42,337 મહિલા લાભાર્થીઓને નાણાંકીય સહાય મળી છે. છેલ્લા 10 વર્ષમાં કુલ 2.14 લાખથી વધુ મહિલાઓને પશુપાલન માટેની વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં બહેનો ફક્ત ઘરકામ અને સાથે પશુપાલનનો વ્યવસાય કરતા હતા. પરંતુ, હવે પશુપાલનનો વ્યવસાય વૈજ્ઞાનિક ઢબે થવાના કારણે તથા સરકારની વિવિધ પ્રોત્સાહિત ઇનામ યોજનાઓના કારણે મહિલાઓનો સામાજિક મોભો પણ વધ્યો છે.

 ગુજરાતની મહિલા પશુપાલકોના યોગદાનને મળી છે રાષ્ટ્રીય સ્તરે માન્યતા

 ગુજરાતની મહિલા પશુપાલકોને ડેરી અને પશુપાલન ક્ષેત્રે તેમના યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા પ્રાપ્ત થઈ છે. ભારતના ડેરી ઉદ્યોગમાં અત્યંત પ્રતિષ્ઠિત સન્માન- ગોપાલરત્ન ઍવોર્ડ2021માં શ્રીમતી મોંઘીબેન વર્ધસિંહ રાજપૂત, 2022માં સોનલબેન નારણભાઈ ગોયલ અને 2023માં બ્રિંદા સિદ્ધાર્થ શાહને એનાયત થયો છે. તો રાજ્ય સ્તરે સરકાર શ્રેષ્ઠ પશુપાલક ઍવોર્ડદ્વારા મહિલા પશુપાલકોને પ્રેરણા પૂરી પાડી રહી છે.

 ડેરી અને પશુપાલનમાં મહિલાઓને સશક્ત બનાવીને ગુજરાત તેના ગ્રામીણ અર્થતંત્રને વેગ આપી રહ્યું છે અને રાજ્યની ડેરી ક્રાંતિમાં મહિલાઓને અગ્રેસર બનાવીને રાષ્ટ્રીય સ્તરે અનોખું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.