Western Times News

Gujarati News

નવરાત્રિમાં સુરક્ષા માટે પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન

નવરાત્રિને લઈ ડીજીપી વિકાસ સહાયે વિડિઓ કોન્ફરન્સ કરી

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સુરક્ષા અને બંદોબસ્તની સમીક્ષા માટે તમામ જિલ્લા પોલીસ વડાઓ, પોલીસ કમિશનરો અને રેન્જ આઈજી સાથે એક મહત્વની વિડીયો કોન્ફરન્સ યોજી. આ બેઠકનો મુખ્ય હેતુ નવરાત્રિના આયોજન, કડક પોલીસ બંદોબસ્ત અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.

ડીજીપીએ આ બેઠકમાં કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. જેમાં નવરાત્રિ દરમિયાન રાત્રિના સમયે ગરબાના સ્થળો અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાની સૂચના આપવામાં આવી. મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત શી ટીમને વધુ સક્રિય અને સતર્ક રહેવા માટે ભાર મૂકવામાં આવ્યો.

નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સલામત નવરાત્રિ ડ્રાઇવ ચલાવવામાં આવશે. આ ઉપરાંત, ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટે પણ નવરાત્રિની તૈયારીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય પોલીસ દ્વારા નવરાત્રિ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તહેવાર દરમિયાન પોલીસ ખડેપગે રહેશે.

ગ્રામ્ય વિસ્તારમાં ૭૯૨ સ્થળોએ ગરબાનું આયોજન છે. જેમાં ૨૧ જાહેર કોમર્શિયલ ગરબા, ૩૨ જાહેર પબ્લિક નવરાત્રી અને બાકીના ગ્રામ્ય ગરબાનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ સુરક્ષા જાળવવા માટે પોલીસ અને હોમ ગાર્ડ સહિત કુલ ૧,૭૦૦ કર્મચારીઓ તૈનાત રહેશે. સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે ૪ ડીવાયએસપી, ર૦ પીઆઈ અને ૩૧ પીએસઆઈ ફરજ પર રહેશે. મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા, ગરબાના સ્થળોએ શી ટીમ અને હેલ્પ ડેસ્ક ઊભા કરવામાં આવશે.

લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે પોલીસ અધિકારીઓના નંબર સાથેના બેનરો પણ લગાવવામાં આવશે. ૧૧૨ પોલીસ વાન અને જિલ્લાની તમામ પોલીસ કાર સતત પેટ્રોલિંગમાં રહેશે. અંધારાવાળા વિસ્તારો (બ્લેક સ્પોટ) અને વધુ ટ્રાફિકવાળા સ્થળો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.

સાયબર ટીમ પણ સોશિયલ મીડિયા પર ધાર્મિક ટીકા-ટિપ્પણીઓ પર નજર રાખશે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં આયોજિત ૭૦ જેટલા મોટા ગરબાના આયોજકો અને સિક્્યોરિટી કંપનીઓ સાથે મળીને પોલીસ, મેડિકલ અને ફાયર વિભાગની ટીમો મોક ડ્રિલ કરશે.

આ મોક ડ્રિલનો હેતુ આકસ્મિક પરિસ્થિતિઓ જેવી કે પાવર કટ, આગ, મેડિકલ ઇમર્જન્સી અથવા ભીડમાં કોઈ પડી જાય તેવી પરિસ્થિતિમાં શું કરવું તેની તાલીમ આપવાનો છે.

તાલીમમાં સીપીઆર (કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) જેવી મેડિકલ તાલીમ, રસ્તો ખુલ્લો રાખવાની તાલીમ અને પાવર કટ થાય તો રેડિયમ ડાયરેક્શનની વ્યવસ્થા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જીઁએ અંતમાં ખાતરી આપી કે ગ્રામ્ય પોલીસ નવરાત્રિને સુરક્ષિત બનાવવા માટે કટિબદ્ધ છે અને લોકો નિર્ભય થઈને આ તહેવારની ઉજવણી કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.