Western Times News

Gujarati News

BJP સાંસદના પત્ની ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા હતા: 14 લાખ પાછા મળ્યા

પ્રીતિએ પોતાના એચડીએફસી બેન્ક એકાઉન્ટમાંથી અજાણ્યા યસ બેન્કના એકાઉન્ટમાં રૂપિયા ૧૪ લાખ ટ્રાન્સફર કર્યા હતા

બેંગ્લુરૂ,  બેંગ્લુરૂ પોલીસે રૂ. ૧૪ લાખનો સાયબર ફ્રોડ કેસ ઉકેલ્યો છે. આ કેસમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ ભાજપના સાંસદ અને કર્ણાટકના પૂર્વ મંત્રી ડો. કે. સુધાકરના પત્ની ડો. પ્રીતિ સુધાકર બન્યા હતાં. તેમણે સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂ. ૧૪ લાખ બેંગ્લુરૂ પોલીસે શોધી કાઢ્યા છે.

પોલીસે જણાવ્યા અનુસાર, ૨૬ ઓગસ્ટના રોજ ૪૪ વર્ષીય ડો. પ્રીતિને સાયબર ફ્રોડર તરફથી વોટ્‌સએપ કોલ મળ્યો હતો. જેમાં સ્કેમરે પોતાને મુંબઈ સાયબર ક્રાઈમના અધિકારી તરીકે રજૂ કરી પ્રીતિનું ડિજિટલ અરેસ્ટ કર્યું હતું. સ્કેમરે દાવો કર્યો હતો કે, તમારૂ બેન્ક એકાઉન્ટ ગેરકાયદે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન સાથે લિંક છે. જો તેઓ વેરિફિકેશન એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર નહીં કરે તો ધરપકડ થઈ શકશે.

કોલરે આરબીઆઈના નિયમો અનુસાર, ૪૫ મિનિટમાં રિફંડ આપવાની ખાતરી સાથે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. ધરપકડના ભય હેઠળ પ્રીતિએ પોતાના એચડીએફસી બેન્ક એકાઉન્ટમાંથી અજાણ્યા યસ બેન્કના એકાઉન્ટમાં રૂ. ૧૪ લાખ ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ટ્રાન્સફર કર્યાના ૪૫ મિનિટથી વધુ સમય થયો હોવા છતાં રિફંડ ન આવતાં પ્રીતિને શંકા થઈ કે, તેઓ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. જેથી તાત્કાલિક ધોરણે વેસ્ટ ડિવિઝન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સાયબર પોલીસે ટ્રાન્સફર કરવામાં આવેલું એકાઉન્ટ તુરંત ફ્રિઝ કરાવ્યું હતું. બાદમાં વધુ તપાસ હાથ ધરી હતી. ૩ સપ્ટેમ્બરના રોજ  કોર્ટે યસ બેન્કને ફ્રોઝન ફંડ પરત કરવા નિર્દેશ આપ્યો હતો. યસ બેન્કે સપ્તાહની અંદર તમામ રકમ ફરી પ્રીતિના એચડીએફસી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. સમયસર એફઆઈઆર નોંધાતા તુરંત કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેના લીધે આરોપી ઝડપથી પકડાયો હતો.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પશ્ચિમ) ગિરિશ એસ અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ઉમરાની એસે આ ઓપરેશન હાથ ધર્યું હતું. બેંગ્લુરૂ પોલીસે જનતાને અપીલ કરી હતી કે, આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો તુરંત દ્ગઝ્રઇઁ હેલ્પલાઈન નંબર ૧૯૩૦નો સંપર્ક સાધવા તેમજ મોડું કર્યા વિના તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધાવા અપીલ કરી છે. જેથી આરોપીને ઝડપથી પકડી શકાય અને ગુમાવેલી રકમ સરળતાથી પાછી મેળવી શકાય. (સંપૂર્ણ સમાચાર સેવા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.