બાળકના પેટમાંથી ડૉક્ટરોએ કાઢ્યો વાળનો ગુચ્છો અને બુટની દોરી!

શુભમ છેલ્લા બે મહિનાથી સતત પેટમાં દુખાવો, ઊલટી અને વજન ઘટવાની સમસ્યાથી પરેશાન હતો
અમદાવાદ, અમદાવાદની સરકારી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોએ ૭ વર્ષના છોકરાના પેટમાંથી વાળનો ગુચ્છો અને જૂતાની દોરી કાઢીને તેને નવજીવન આપ્યું છે. આ બાળક મધ્યપ્રદેશના રતલામનો રહેવાસી છે.
હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે શુભમ છેલ્લા બે મહિનાથી સતત પેટમાં દુખાવો, ઊલટી અને વજન ઘટવાની સમસ્યાથી પરેશાન હતો. તેના માતા-પિતા પહેલાં તેને મધ્યપ્રદેશની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં તેને કોઈ રાહત મળી નહોતી.
શુભમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા પછી ડૉક્ટરોએ તેનું સીટી સ્કેન અને એન્ડોસ્કોપી કરાવી. તપાસમાં જાણવા મળ્યું કે તેના પેટમાં વાળનો એક ગુચ્છો અને જૂતાની દોરી ફસાયેલા છે. સિવિલ હોસ્પિટલના શિશુ રોગ વિભાગના વડા ડૉ. જોશીએ જણાવ્યું કે ડૉક્ટરોની ટીમે જટિલ લેપરોટોમી સર્જરી દ્વારા આ ગાંઠ કાઢી નાખી. સર્જરીના ૭મા દિવસે ડાઈ ટેસ્ટ કરીને ખાતરી કરવામાં આવી કે પેટમાં કોઈ અવશેષ બાકી નથી.
હોસ્પિટલે શુભમને મનોચિકિત્સકને પણ મળાવ્યો, જેથી તે ભવિષ્યમાં આવી વસ્તુઓ ગળવાની આદત છોડી દે. ડૉક્ટરોએ કહ્યું કે આ બિમારીમાં બાળકો ઘણીવાર વાળ અથવા અન્ય નાની વસ્તુઓ ગળી જાય છે, જેને અટકાવવું જરૂરી છે.
ડૉ. જોશીએ જણાવ્યું કે શુભમને ‘ટ્રાઇકોબેઝોઅર’ નામની દુર્લભ બિમારી હતી. જેમાં બાળકો વાળ ગળી જાય છે. આ વાળ પેટમાં ફસાઈને ગાંઠ બનાવી દે છે. આ બિમારીના લક્ષણોમાં પેટમાં દુખાવો કે સોજો, ઊલટી, ભૂખ ન લાગવી, વજન ઘટવું અને કબજિયાતનો સમાવેશ થાય છે.
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે હવે શુભમની હાલત સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેને રજા આપી દેવામાં આવી છે. ડૉક્ટરોનું કહેવું છે કે સમયસર યોગ્ય સારવાર અને માનસિક સલાહથી બાળકના સ્વાસ્થ્ય અને જીવન બંને સુરક્ષિત રહી શકે છે.