બાળકો પાસે બાળ મજૂરી કરાવતા હોવાનો વિડીયો થયો છતાં કોઈ કાર્યવાહી નહીં

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વાગરા તાલુકાના મુલેર સ્થિત ગંધાર ફૂડ પ્રોડક્ટ્સ પ્રા.લિ.નામની ફેક્ટરીમાં ફરી એકવાર બાળ મજૂરીનો કિસ્સો સામે આવ્યો છે.જેનાથી કાયદાનું શાસન જાણે કે નબળું પડી ગયું હોય તેમ જણાઈ રહ્યું છે.તાજેતરમાં વાયરલ થયેલા એક વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સગીર વયના બાળકો જોખમી કામગીરીમાં જોડાયેલા છે.
આ ઘટના અગાઉની સમાન ઘટનાઓ બાદ પણ તંત્રની નિષ્ફળતા અને ફેક્ટરી સંચાલકોની બેફામતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. વિશ્વસનીય સૂત્રો થકી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આ ફેક્ટરીમાં કુલ ચાર બાળ મજૂરો કામ કરી રહ્યા હતા.જેમાંથી બેને લેબર કમિશ્નર દ્વારા લઈ જવામાં આવ્યા હતા.જોકે આ અંગે લેબર કમિશ્નર રવીન શૈલેષકુમાર બ્રહ્મભટ્ટનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.જે આ સંવેદનશીલ મુદ્દે તંત્રની ઉદાસીનતા દર્શાવે છે.
આ ઘટના ૨-૩ દિવસ પહેલાની હોવાનું માનવામાં આવી રહ્યું છે.પરંતુ આશ્ચર્યજનક રીતે આ સમાચાર લખાઈ રહ્યા છે.ત્યાં સુધી વાગરા પોલીસ મથકમાં આ અંગે કોઈ ફરિયાદ દાખલ થઈ નથી.આ ઘટના કોઈ એકલ-દોકલ કિસ્સો નથી.અગાઉ પણ ૨૭ જૂન ૨૦૨૪ના રોજ પણ જૈનુલ આબેદીન ઈબ્રાહીમ પટેલ વિરુદ્ધ ૧૩ બાળ મજૂરો પાસે કામ કરાવવા બદલ ફરિયાદ નોંધાઈ હતી.તેમ છતાં ફરીથી આ જ ફેક્ટરીમાં બાળ મજૂરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ દર્શાવે છે કે, અગાઉ થયેલી કાર્યવાહી અપૂરતી હતી અને કાયદાનો ડર સંચાલકોમાં રહ્યો નથી.આ પ્રકારના ગુનાઓ સમાજ માટે એક કલંક સમાન છે.બાળ મજૂરી માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી.પરંતુ તે બાળકોના ભવિષ્ય અને તેમના મૂળભૂત અધિકારોનું પણ હનન છે.
સગીર વયના બાળકોએ સ્કૂલમાં હોવું જોઈએ ફેક્ટરીમાં નહીં.આવા બેફામ સંચાલકો વિરુદ્ધ તાત્કાલિક અને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે.જેથી ભવિષ્યમાં આવા કૃત્યો ફરી ન બને અને કાયદાનું શાસન પુનઃસ્થાપિત થઈ શકે.