હવે અંતરિયાળ ક્ષેત્રમાં પણ પૂરતા કવરેજની જવાબદારી ટેલિકોમ કંપનીઓને શિરે

અમદાવાદ, કોઈ વ્યક્તિ કોઈ અંતરિયાળ વિસ્તારમાં જાય અથવા તો આવા વિસ્તારમાં કોઈ બિલ્ડીંગની અંદર જાય તો મોબાઈલ નેટવર્ક જતું રહે એવું ઘણીવાર બનતું હોય છે. જેના કારણે અજાણતાં જ આવી વ્યક્તિઓ કેટલીક વાર મોટી મુશ્કેલીઓમાં મૂકાઈ જતા હોય છે.
આની ગંભીર નોંધ લઈને સરકાર હવે નિયમો કડક બનાવવા વિચારણા કરી રહી છે અને એવી જોગવાઈ લાગુ કરવા માંગે છે કે જેથી ટેલિકોમ કંપનીઓ માત્ર મોબાઈલ ટાવર ઊભા કરીને છૂટી ન જઈ શકે પરંતુ વાસ્તવિક રીતે દરેક જગ્યાએ કવરેજ મળે તે સુનિશ્ચિત કરવાની તેમની જવાબદારી બને.
સરકારે જે વિચારણા હાત ધરી છે તે મુજબ ટેલિકોમ કંપનીઓએ તેમના સર્વિસ ઓબ્લિગેશન અંતર્ગત મોબાઈલનો ઉપયોગ કરી શકાય એવું વાસ્તવિક કવરેજ મળે તે સુનિશ્ચિત કરવું પડશે. ખાસ કરીને લાંબા હાઈવે તથા રેલમાર્ગો અને ગીચતાની દૃષ્ટિએ ખૂબ ઓછા લોકો જ્યાં વસતા હોય એવા વિસ્તારોમાં મોબાઈલનો ઉપયોગ થઈ શકે એટલું કવરેજ સતત મળે અને સિગ્નલ કયારેય નબળા ન પડે કે બંધ પણ ન થાય તે આ કંપનીઓની જવાબદારી બનશે. એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી.
હાલમાં ટેલિકોમ કંપનીઓએ સર્વિસ ઓબ્લિગેશન હેઠળ ચોક્કસ વિસ્તાર કે સર્કલમાં ચોક્કસ સંખ્યામાં મોબાઈલ ટાવર ઊભા કરવાની જવાબદારી જ નિભાવવાની હોય છે અને મોબાઈલ ટાવર ઊભા કર્યા પછી પણ જો કવરેજ ન મળે તો તેમને કોઈ લેવા-દેવા નથી.
હાલના નિયમો હેઠળ કોઈ એક વિસ્તારમાં કેટલા ટાવર ઊભા કરવા તેની ટકાવારી સરકાર નક્કી કરતી હોય છે પરંતુ ટેલિકોમ કંપનીઓ સેવાની માંગ અને વ્યવસાયિક ધોરણે લાભદાયી સાબિત થાય એવી રીતે આ ટાવર કયાં ઊભા કરવા એ નક્કી કરે છે.
આના કારણે ઘણીવાર અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક મલતું નથી. એમ જણાવતા સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલમાં ટાવર માટે જે મિનિમમ રોલઅઆઉટ ઓબ્લિગેશન છે એ તમામ વિસ્તારોમાં પૂરતું કવરેજ મળે તે માટે સક્ષમ નથી. હાલમાં આ નિયમમાં સુધારો કરવા સરકાર વિચારણા કરી રહી છે અને હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.