Western Times News

Gujarati News

ટેરિફ વિવાદ વચ્ચે જયશંકર-રૂબિયોની મુલાકાત

ટેરિફ વિવાદ વચ્ચે જયશંકર-રૂબિયોની મુલાકાત

નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે વધતા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના અમેરિકન સમકક્ષ માર્કાે રૂબિયોની મુલાકાત સોમવારે ન્યુ યોર્કમાં થઈ. આ બેઠક એવા સમયે થઈ જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા એચ-૧બી વિઝા પર ૧૦૦,૦૦૦ ડોલરનો ટેક્સ લગાવવાની જાહેરાત કરી, જેના કારણે ભારતના આઈટી ક્ષેત્રને મોટો ફટકો પડ્યો.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બહાર થયેલી આ મુલાકાતમાં બંને નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત દર્શાવે છે કે આર્થિક મતભેદો હોવા છતાં, બંને દેશો પરસ્પર સંબંધો જાળવી રાખવા ઈચ્છે છે.રૂબિયોએ ભારત-અમેરિકાની ભાગીદારીને ‘અત્યંત મહત્ત્વપૂર્ણ’ ગણાવી હતી અને સંરક્ષણ, વેપાર, ઊર્જા, દવા અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનું વચન આપ્યું હતું.

તેમણે એ પણ જણાવ્યું કે અમેરિકા માટે ભારતનું સ્થાન ઘણું મહત્ત્વનું છે અને ઈન્ડો-પેસિફિક અને ક્વાડ ભાગીદારીમાં સાથે મળીને કામ કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.એસ. જયશંકરે પણ આ વાતચીતને સકારાત્મક ગણાવી અને એક્સ પર પોસ્ટ કર્યું, ‘અમારી વાતચીતમાં ઘણા દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ.

અમેરિકા સાથે સતત સંપર્કમાં રહેવું અને પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં પ્રગતિ કરવું મહત્ત્વનું છે. અમે સંપર્કમાં રહીશું.’ ટ્રમ્પ દ્વારા વિઝા ફીમાં અચાનક કરાયેલા વધારાની જાહેરાતને કારણે આ બેઠક પર ઊંડી અસર પડી હતી.

ભારત એચ-૧બી વિઝાનો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ છે. ગયા વર્ષે ૭૧% વિઝા ભારતીય નાગરિકોને મળ્યા હતા, જ્યારે ચીનને ૧૨%થી ઓછા વિઝા મળ્યા હતા.નિષ્ણાતોના મતે, આ અચાનક થયેલા વધારાને કારણે ભારતીય આઈટી કંપનીઓનો ખર્ચ ઝડપથી વધી શકે છે. આ મુશ્કેલી એવા સમયે આવી છે જ્યારે બંને દેશો વચ્ચે પહેલેથી જ વેપાર વિવાદ ચાલી રહ્યો છે.

જુલાઈમાં, ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ૨૫% ટેક્સ લગાવ્યો હતો, જોકે સપ્ટેમ્બરમાં બંને દેશોએ ફરીથી વેપાર કરારની વાતચીત શરૂ કરી હતી.આ મુશ્કેલીઓ હોવા છતાં, વોશિંગ્ટન અને નવી દિલ્હીએ તેમના રાજદ્વારી સંબંધો જાળવી રાખ્યા છે. રૂબિયો અને જયશંકર છેલ્લે જુલાઈમાં ક્વાડના વિદેશ મંત્રીઓની બેઠકમાં મળ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.