સ્વામિનારાયણ ગરૂકુળમાં વિદ્યાર્થીના વાળ સ્પોટ્ર્સ શિક્ષકે બ્લેડથી કાપી નાખ્યા

જામનગર, જામનગરમાં બે શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના બળજબરીથી વાળ કાપી નાખવાના બનાવે શિક્ષણ જગતમાં ચર્ચા જગાવી છે. શહેરના સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના વાળ સ્પોર્ટસ ટીચરે બ્લેડથી કાપી નાખ્યા હતા. જ્યારે સરકારી નવાનગર હાઈસ્કૂલમાં ધોરણ-૯ના વિદ્યાર્થીના આગળના વાળ એક શિક્ષિકાએ કાતર લઈને કાપી નાખ્યા હતા.
આ બન્ને બનાવમાં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આજે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ફરિયાદ કરી પગલાંની માંગ કરાઇ છે.જામનગરની અમુક શૈક્ષણિક સંસ્થાઓ સમયાંતરે વિવાદમાં સપડાતી રહે છે.
જામનગરમાં એરફોર્સ રોડ પર રહેતા એક ગૃહસ્થનો ૧૦ વર્ષનો પુત્ર ધોરણ ૪માં સ્વામિનારાયણ ગુરુકુળ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીએ માથામાં તેલ નાખ્યું નહીં હોવાથી શાળાના સ્પોર્ટસ ટીચરે બ્લેડથી વિદ્યાર્થીના વાળ કાપી નાખ્યા હતા. આ બાબતની જાણ વિદ્યાર્થીને ઘરે જતા તેના પિતાએ જામનગર જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં પત્ર પાઠવીને ફરિયાદ કરી છે અને યોગ્ય પગલાં લેવા માગણી કરી છે.
નવાનગર સરકારી હાઈસ્કૂલમાં પણ આવો જ બનાવ બન્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓને મીટીંગ માટે બોલાવવાની સૂચના હોવાથી ધોરણ-૯નો વિદ્યાર્થી તા. ૧૯ના બપોરે શાળાની ઓફિસમાં વાલીના નંબર લખાવવા માટે ગયો હતો, જ્યાં એક શિક્ષિકા બેઠા હતા. તેણીએ વિદ્યાર્થીને જોઈને કહ્યું કે તારા વાળ બહુ વધી ગયા છે. વિદ્યાર્થીએ કહ્યું કે, હું કપાવી નાંખીશ.
ત્યાં તો શિક્ષિકાને શું થયું કે, જાતે કાતર લઈને વિદ્યાર્થીના આગળના વાળ કાપી નાંખ્યા હતા. ડઘાયેલા વિદ્યાર્થીએ કોઈકના ફોનમાંથી વાલીને ફોન કરીને રોતા-રોતા હકીકત જણાવી હતી. આજે વિદ્યાર્થીના વાલીએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ અરજી કરી પગલાં લેવા માંગ કરી છે.SS1MS