દેશની પહેલી ૮ લેનવાળી ટનલ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બનાવવામાં આવી

આ ટનલને મુકુંદરા હિલ્સમાં બનાવવામાં આવી રહી છે, જ્યાં ટાઈગર રિઝર્વ છે. -આ ટનલ પૂરી થવાથી ૩ કલાકનો રસ્તો માત્ર ૧ કલાકમાં જ કાપી શકાશે.
(એજન્સી) નવી દિલ્હી, દેશમાં એક્સપ્રેસવે, હાઈવે અને રેલવેનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. દરેક મોટા શહેરને જોડવા માટે હાઈ સ્પીડ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે અને પછી ભલે રેલવે હોય કે પછી એક્સપ્રેસવે સફરને સરળ બનાવવા માટે સુરંગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
ગત કેટલાક વર્ષોમાં ડઝનબંધ ટનલોનું નિર્માણ થઈ ચૂક્્યું છે, પરંતુ હવે દેશને પહેલી ૮ લેનવાળી ટનલની ભેટ મળવા જઈ રહી છે. આ ટનલની અંદર પણ ૧૦૦ની સ્પીડથી કાર દોડાવી શકાશે. આ ટનલ પૂરી થવાથી ૩ કલાકનો રસ્તો માત્ર ૧ કલાકમાં જ કાપી શકાશે.
દેશની પહેલી ૮ લેનવાળી ટનલ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બનાવવામાં આવી રહી છે. આ એક્સપ્રેસવે કોટા-દિલ્હી રૂટ પર આ ટનલ પડે છે. જેનું નિર્માણ કાર્ય હવે અંતિમ તબક્કામાં છે અને માનવામાં આવી રહ્યું છે કે, નવેમ્બર સુધી તેને શરૂ કરી દેવામાં આવશે.
મુકુંદરા હિલ્સ ટાઈગર રિઝર્વ એ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. તે રાજસ્થાનના કોટા, ઝાલાવાડ, બુંદી અને ચિત્તોડગઢ જિલ્લાઓમાં ફેલાયેલું છે. આ રિઝર્વ વિંધ્ય પર્વતમાળાના દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલું છે અને તેમાં મુકુંદરા હિલ્સ નેશનલ પાર્ક, દારાહ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને ચંબલ ઘડિયાળ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીના ભાગોનો સમાવેશ થાય છે. આ રિઝર્વ વાઘ, દીપડા, રીંછ અને અન્ય વન્યજીવોનું ઘર છે.
આ ટનલને મુકુંદરા હિલ્સમાં બનાવવામાં આવી રહી છે, જ્યાં ટાઈગર રિઝર્વ છે. એક્સપ્રેસવેના આ પેકેજ નંબર ૧૦ની લંબાઈ લગભગ ૨૬.૫ કિલોમીટર છે, જેમાં ૫ કિલોમીટર લાંબી ટનલ પણ આવે છે. એકવાર તેનું નિર્માણ પૂરુ થઈ ગયું તો દિલ્હીથી કોટાની વચ્ચે અવર-જવર પણ સરળ થઈ જશે.
આ પેકેજના નિર્માણમાં મોટુ સંકટ હાઈટેન્શન લાઈન છે. આ સેક્શન જયપુરના સિમાલિયા અને ફાગીની વચ્ચે પડે છે. તેને હટાવવા માટે ઘણા દિવસોનું શટડાઉન કરવું પડશે. આ જ કારણ છે કે, સરકાર હવામાન સારું થવાની રાહ જોઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, નવેમ્બર સુધી તેનું કામ પૂરુ થઈ જશે.
ત્યારબાદ ડિસેમ્બરથી દિલ્હી અને કોટાની વચ્ચે આ ટનલના રસ્તાથી વાહનોની અવરજવર શરૂ કરી દેવામાં આવશે. દૌસા સેક્શનના પ્રોજેક્ટ ડિરેક્ટર ભારત સિંહનું કહેવું છે કે, ભારે વરસાદના કારણે કામ થોડા દિવસ માટે રોકવું પડ્યું હતું.ટનલના અભાવમાં હાલ મુકુંદરા હિલ્સને પાર કરવા માટે વાહનોને સવાઈમાધોપુરના રસ્તેથી લગભગ ૬૦ કિલોમીટર સુધી હાઈવે ફરીને જવું પડે છે.
આગળ જઈને આ હાઈવે દૌસા જિલ્લાના લાલસોટની પાસે એક્સપ્રેસવેને મળે છે. ટનલ તૈયાર થયા બાદ એક્સપ્રેસવે સીધો કોટા સુધી જશે અને મુકુંદરા હિલ્સની વચ્ચેથી પાર કરી શકાશે. આ પ્રકારે, જે સફરને પૂરો કરવામાં હાલ ૩ કલાક લાગી જાય છે, તે માત્ર ૬૦ મિનિટમાં જ કપાઈ જશે.