બુલડોઝર જસ્ટિસ સામેના ચુકાદાથી મને સૌથી વધુ સંતોષ થયો હતોઃ સીજેઆઈ

નવી દિલ્હી, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ બી.આર. ગવઈએ અપરાધીઓ સાથે સંકળાયેલી સંપત્તિ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહીને કાયદાવિહિન રાજ્યની સ્થિતિ ગણાવી હતી.
ન્યાયમૂર્તિ બી.આર. ગવઈએ જણાવ્યું હતું કે, બુલડોઝરની કાર્યવાહી અંગે તેમણે આપેલો ચુકાદો માનવીય સમસ્યાઓ સાથે સંકળાયેલો હોવાથી તે ચુકાદો આપીને તેમને અપાર સંતોષની લાગણી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની જસ્ટિસ ગવઈ તથા કે.વી. વિશ્વનાથનની બેન્ચે ૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ એક ચુકાદામાં બુલડોઝર જસ્ટિસને કાયદાના શાસન વગરના રાજ્ય સાથે સરખાવ્યો હતો.
આ ચુકાદામાં બેન્ચે દેશવ્યાપી માર્ગદર્શિકા પણ જારી કરી હતી. સુપ્રીમ કોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા યોજાયેલાં એક કાર્યક્રમને સંબોધતા સીજેઆઈ ગવઈએ જણાવ્યું હતું કે, બુલડોઝર કાર્યવાહી અંગેના ચુકાદો આપીને મને અત્યંત સંતોષની લાગણી થઈ હતી.
આ ચુકાદાના હાર્દમાં માનવીય સમસ્યાઓને આવરી લેવાઈ હતી. અપરાધી કે કથિત રીતે ગુનેગાર હોય તેવા લોકોના પરિવારનો હિસ્સો હોવાના કારણે પરિવારના તમામ લોકોને હેરાન કરવામાં આવતાં હતાં.
આ ચુકાદા બદલ તેમણે જસ્ટિસ વિશ્વનાથનને પણ શ્રેય આપ્યો હતો. ન્યાયને વધુ બહેતર બનાવવા માટે અને ન્યાયતંત્રના માળખામાં સુધારા માટે તેમણે શ્રેષ્ઠ પ્રયાસો કર્યાં હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, હાઈકોટ્ર્સના જજીસની નિમણૂક તાર્કિક અને ઝડપી બને તે માટે પણ તેમણે પ્રયાસો કર્યાં છે.
છેલ્લાં બે-ત્રણ વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતાં યુવાન વકીલોને વધુ પ્રતિનિધિત્વ આપવા પર ધ્યાન કેન્દ્રીત કરાયું હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં યુવાન વકીલોએ હાંસલ કરેલો અનુભવ હાઈકોર્ટની કામગીરીને વધુ બહેતર બનાવશે.SS1MS