વડોદરામાં સ્કૂલવાન પલટી જતાં ૧૪ વિદ્યાર્થીઓ ઘાયલ

વડોદરા, વડોદરાના ડભોઇ રોડ પર આવેલા સોમા તળાવ નજીક આવેલી એસએસવી સ્કૂલના વિદ્યાર્થીઓને લઇને વડોદરાથી વાઘોડિયા તરફ જઇ રહેલી સ્કૂલ વાન રસ્તા પર પલટી ખાઈ જતા અંદર બેઠેલા ૧૪ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ હતી.
આ ઘટનાના પગલે અવર જવરથી ધમધમતા આ રોડ પર દોડધામ થઈ ગઈ હતી. આ ઘટના ટ્રાફિક પોલીસ અને આરટીઓની લાપરવાહીના કારણે જ બની હોવાનું સ્થાનિક નાગરીકોએ જણાવ્યુ હતુ.મળતી વિગતો પ્રમાણે ઈકો વાન વાઘોડિયા તરફથી વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં ટાયર ફાટતા વાન પલટી મારી ગઈ હતી.
વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા. અચાનક સર્જાયેલા અકસ્માતના પગલે વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા. ૧૪ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી.
તેમને ધીરજ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.આ ઘટનાની જાણ થતા વાલીઓ અને સ્કૂલ સંચાલકો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને નજીવી ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી.આ ઘટનામાં વાન ચાલકની પણ બેદરકારી હોવાનું કહેવાઈ રહ્યું છે.
વાનના ટાયર સાવ જૂના હોવા છતા તેને બદલવાની તસદી લેવામાં આવી નહોતી. સદનસીબે વાન એક તરફ પલટી ખાઈને અટકી ગઈ હતી અને ઉંધી પડી નહોતી. જો ઉંધી પડી હોત તો કદાચ વિદ્યાર્થીઓને વધારે ઈજા પહોંચી હોત.SS1MS