ઉદ્યોગ ક્ષેત્રે નારીશક્તિ: આ મહિલા કરી રહ્યા છે ટેક ઇનોવેશન આધારિત સ્ટાર્ટઅપ ‘બાયોસ્કેન રિસર્ચ’નું નેતૃત્વ

File Photo
બાયોસ્કેન રિસર્ચ બનાવે છે બ્રેઇન ઇન્જરીની તાત્કાલિક તપાસ માટે નોન-ઇન્વેસિવ, પોર્ટેબલ ઓનસાઇટ ડિટેક્શન મેડિકલ ટૂલ્સ
સ્ટાર્ટઅપે અત્યારસુધીમાં 70 યુનિટ્સનું વેચાણ કર્યું છે, સૌથી વધુ વેચાણ રાજ્ય સરકારના પ્રાઇમરી અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો તેમજ ટ્રોમા સેન્ટરોમાં
શિલ્પા મલિકના નેતૃત્વ હેઠળ બાયોસ્કેન રિસર્ચે ટોચની સંસ્થાઓ તરફથી 50થી પણ વધુ એવોર્ડ્સ મળ્યા છે
સમગ્ર ગુજરાત અત્યારે વિશ્વના સૌથી લાંબા નૃત્ય પર્વ નવરાત્રિની ઉજવણી કરી રહ્યું છે. નવરાત્રિનું પર્વ એ નારીશક્તિની ઉજવણીનું પર્વ છે, મહિલાઓની સક્ષમતાને ઉજાગર કરતું પર્વ છે. મહિલાઓ આજે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે, પછી તે શિક્ષણ ક્ષેત્ર હોય, રમત-ગમત ક્ષેત્ર હોય કે ઉદ્યોગ જગત. સમગ્ર વિશ્વમાં આજે મહિલા ઉદ્યોગસાહસિકોની સંખ્યા સતત વધી રહી છે,
અને મહિલાઓના નેતૃત્વમાં સફળ ઔદ્યોગિક એકમો અને સ્ટાર્ટઅપ્સના અનેક ઉદાહરણો છે, ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. આજે ગુજરાતના એવા જ એક મહિલા ઉદ્યોગ સાહસિક શિલ્પા મલિક અને તેમના સ્ટાર્ટઅપ ‘બાયોસ્કેન રિસર્ચ’ વિશે વાત કરવી છે. તેમના નેતૃત્વમાં બાયોસ્કેન રિસર્ચ આજે ગુજરાતના એક સફળ સ્ટાર્ટઅપ તરીકે કાર્યરત છે, જે જીવલેણ રોગોના પ્રારંભિક નિદાન માટેના તબીબી ઉપકરણો બનાવીને અનેક લોકોની જિંદગી બચાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓના આર્થિક સશક્તિકરણને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યની મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે તેમણે, મિશન મંગલમ યોજના, વીમેન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશેષ મહિલા ઔદ્યોગિક પાર્ક (વુમન એન્ટરપ્રેન્યોરશિપ પાર્ક), મહિલા આર્થિક વિકાસ નિગમ વગેરેની સ્થાપના કરી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહિલા કેન્દ્રિત તેમની આ યોજનાઓ અને પહેલોને આગળ ધપાવીને વીમેન લેડ ડેવલપમેન્ટના તેમના વિઝનને ચરિતાર્થ કરી રહ્યા છે.
બાયોસ્કેન રિસર્ચ બનાવે છે જીવલેણ રોગોના પ્રારંભિક નિદાન માટેના તબીબી ઉપકરણો
બાયોસ્કેન રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના સપ્ટેમ્બર 2017માં સહ-સ્થાપકો (કો-ફાઉન્ડર્સ) શિલ્પા મલિક અને અનુપણ લવાણિયા દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. શિલ્પા મલિક બાયોસ્કેન રિસર્ચના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર છે. તેઓ હાર્ડવેર ઇનોવેશનમાં એક દાયકાનો અનુભવ ધરાવતા એક સફળ ટેક્નોપ્રેન્યોર છે. તેમણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપી છે, તેમજ મિલિટરી સેન્સર સિસ્ટમ્સ ડિઝાઇન અને મેનેજમેન્ટ પર કામ કર્યું છે.
શિલ્પા મલિકના નેતૃત્વમાં બાયોસ્કેન રિસર્ચ ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી જેવી જીવલેણ બીમારીનું બિન-આક્રમક રીતે (non-invasively) પ્રારંભિક નિદાન કરવા માટે તબીબી ઉપકરણો વિકસિત કરે છે, તેમનું પરીક્ષણ કરે છે, ત્યારબાદ તેમનું ઉત્પાદન કરે છે અને પોસાય તેવા દરોએ આ તબીબી ઉપકરણોનું વેચાણ કરે છે, અને આ સમગ્ર પ્રક્રિયા માટે તેઓ ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિક્સ અને સોફ્ટવેરમાં ડીપ ટેકનો ઉપયોગ કરે છે. બાયોસ્કેન રિસર્ચે ઇન્ટ્રાક્રેનિયલ રક્તસ્રાવ, સરળ શબ્દોમાં કહીએ તો બ્રેઇન ઇન્જરીની અગાઉથી તપાસ માટે નોન-ઇન્વેસિવ, પોર્ટેબલ ઓનસાઇટ ડિટેક્શન ટૂલ્સ વિકસિત કર્યા છે, જેથી સમયસર નિદાન કરીને લોકોના જીવન બચાવી શકાય.
ઉલ્લેખનીય છે કે, બાયોસ્કેન રિસર્ચે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓંત્રપ્રિન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી (i-Create), કે જે ટેક ઇનોવેશન પર આધારિત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય આપતી ગુજરાત સરકારની એક સ્વાયત્ત સંસ્થા છે, તેની પાસેથી નાણાકીય સહાય મેળવી છે. આ ઉપરાંત, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), કાનપુર, બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC), ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ રિસર્ચ (DHR) અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) પણ તેમને નાણાકીય સહયોગ પ્રાપ્ત થયો છે.
ક્લિનિકલ રિસર્ચ દરમિયાન 1500 દર્દીઓ પર પરીક્ષણ, 11 હજારથી વધુ બ્રેઇન સ્કેન
બાયોસ્કેન રિસર્ટ પ્રા.લિ. ની જર્ની વિશે વાત કરતા તેના કો-ફાઉન્ડર શિલ્પા મલિક જણાવે છે કે, “અમારા પરિવારના સદસ્યને બ્રેઇન ઇન્જરી થઈ હતી, અને તેની સારવાર દરમિયાન અમને જાણવા મળ્યું કે સમસ્યા બ્રેઇન ઇન્જરીની નથી, પણ અર્લી ડિટેક્શન એટલે કે વહેલા નિદાનની છે. અનેક દર્દીઓ વહેલા નિદાન ન થઈ શકવાના કારણે વધુ પીડા સહન કરે છે.
અમારું બેકગ્રાઉન્ડ તો ટેક્નિકલ હતું જ, એટલે અમે અર્લી ડિટેક્શન માટે મેડિકલ ડિવાઇસ વિકસિત કરવા સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું. આ માટે અમને ગુજરાત સરકાર હેઠળની i-Create સંસ્થા, કે જે ટેક આધારિત સ્ટાર્ટઅપ્સને આર્થિક ભંડોળ પૂરું પાડે છે, તેમનો સંપૂર્ણ સહયોગ મળ્યો. અમે 4-5 વર્ષ રિસર્ચમાં લગાવ્યા અને સપ્ટેમ્બર 2017માં બાયોસ્કેન રિસર્ચની સ્થાપના કરી.”
બ્રેઇન ઇન્જરી માટેનું મેડિકલ ડિવાઇસ બનાવ્યા પછી, તેની પેટન્ટને ફાઇલ કરવા માટે પણ તેમને ગુજરાત સરકારનો સહયોગ મળ્યો. તેમણે 3 વર્ષ ક્લિનિકલ રિસર્ચ માટે લગાવ્યા, જે દરમિયાન દર્દીઓ પર તેમણે બનાવેલા મેડિકલ ડિવાઇસનું પરીક્ષણ કરવામાં આવ્યું. ગુજરાતમાં પરીક્ષણો બાદ સમગ્ર ભારતની વિવિધ હોસ્પિટલોમાં તેમના બ્રેઇન સર્જરીના અર્લી ડિટેક્શન માટેના આ તબીબી ઉપકરણના પરીક્ષણો કરવામાં આવ્યા,
જેમાં NIMHANS, બેંગ્લોર અને AIIMS, ભોપાલ જેવી દેશની અગ્રણી હોસ્પિટલોના ન્યુરોસર્જન પણ સામેલ થયા. 2 વર્ષની ક્લિનિકલ રિસર્ચ દરમિયાન 1500 દર્દીઓ પર પરીક્ષણો કરવામાં આવ્યા છે, અને 11,000 બ્રેઇન સ્કેન કરવામાં આવ્યા. સફળ પરીક્ષણો બાદ તેઓએ વેચાણ માટે આ ડિવાઇસ લોન્ચ કર્યા.
ઓલ ઓવર ઇન્ડિયામાં 70 યુનિટ્સનું વેચાણ, સૌથી વધુ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં
શિલ્પાજીએ જણાવ્યું કે અત્યારસુધીમાં ઓલ ઓવર ઇન્ડિયા તેઓ તેમની પ્રોડક્ટના અંદાજિત 70 યુનિટ્સનું વેચાણ કરી ચૂક્યા છે. તેમણે વિકસિત કરેલ મેડિકલ ડિવાઇસની પર્ફોર્મન્સ એક્યુરસી 95% અને સેન્સિટિવિટી 97% છે. તેઓ જણાવે છે કે, આ મેડિકલ ડિવાઇસ માટે સરકારી વિભાગ પાસેથી અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને અમે સૌથી વધુ ડિવાઇસનું વેચાણ પણ સરકારમાં જ એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં તેમજ ટ્રોમા સેન્ટરોમાં કરીએ છીએ. તેમના મેડિકલ ડિવાઇસની હાઇ એક્યુરસીને જોતાં, ડોક્ટરો પણ તેના પર ખૂબ વિશ્વાસ મૂકે છે.
બાયોસ્કેન રિસર્ચને મળ્યા છે 50 થી વધુ એવોર્ડ્સ
શિલ્પા મલિકના સફળ નેતૃત્વ હેઠળ બાયોસ્કેન રિસર્ચને 50થી પણ વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ/માન્યતાઓ મળ્યા છે, જેમાં કેટલાક મહત્વના એવોર્ડ્સ નીચે મુજબ છે:
• ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા બેસ્ટ એક્સ્ટ્રામ્યુરલ રિસર્ચ એવોર્ડ (2024)
• ઇન્ડિયા ઇઝરાયલ ઇનોવેશન ચેલેન્જના વિજેતા તરીકે સન્માનિત
• અમેરિકન સોસાયટી ઑફ મિકેનિકલ એન્જિનિયર્સ (ASME) દ્વારા બેસ્ટ હેલ્થકેર ઇનોવેશન ઑફ ઇન્ડિયા એવોર્ડ
• તાજેતરમાં, GITEX થાઇલેન્ડ દ્વારા સુપરનોવા વિજેતા (બેસ્ટ ડિજિ હેલ્થ એન્ડ બાયોટેક ઇનોવેશન ઑફ એશિયા)
• યુનિટસ સીડ ફંડ સ્ટારહેલ્થ 2017 હેઠળ બેસ્ટ હેલ્થકેર સ્ટાર્ટઅપ ઑફ ઇન્ડિયા
• AICTE કેનેડા ઇન્ડિયા એક્સીલરેશન પ્રોગ્રામ દ્વારા ભારતના ટોચના 10 વીમેન લેડ ટેક સ્ટાર્ટઅપ્સમાં સ્થાન
• TIE-BIRAC WiNER દ્વારા ભારતના ટોચના 15 વીમેન લેડ બાયોટેક સ્ટાર્ટઅપમાં સ્થાન
• ઇન્ફોસિસ સ્ટાર્ટઅપ-પ્રેન્યોરના વિજેતા