અમદાવાદના દંપતિએ યુકેમાં સંઘર્ષ કરીને સફળતાની પ્રેરણાદાયક ગાથા રચી

આરતી અને હાર્દિક મોડાસિયા યુકે યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મફત એડમીશન અપાવીને મદદ કરે છે
અમદાવાદ: અમદાવાદના આરતી અને હાર્દિક મોડાસિયાની યુનાઇટેડ કિંગડમ (યુકે)માં કરેલી સફર એક હિંમત, દ્રઢતા અને દૂરંદેશીની એક અનોખી વાર્તા છે. વર્ષ 2022માં જ્યારે તેઓ યુકે પહોંચ્યા, ત્યારે તેમને જીવન નિર્વાહ ચલાવવા માટે નાની-મોટી નોકરીઓનો સામનો કરવો પડ્યો હતો. આજે, માત્ર ત્રણ વર્ષમાં, તેઓએ ‘ આવીયોર‘ નામની કંપની સ્થાપી છે, જે યુકેમાં સત્તાવાર રીતે નોંધાયેલ છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમની યુકેની સફર વધુ સરળ બનાવવા માટે મદદ કરે છે.
આરતી મોડાસિયા તેમના પ્રારંભિક દિવસોને યાદ કરતા કહે છે, “પહેલા બે-ત્રણ મહિના સૌથી મુશ્કેલ હતા. બધું અજાણ્યું હતું, અને યોગ્ય સહાય વિના તે ખૂબ જ મુશ્કેલ લાગતું હતું. આ સંઘર્ષને વિકાસમાં ફેરવી શકાય છે, એ વિશ્વાસે અમને આગળ વધવા માટે પ્રેર્યા.” તેમણે સ્વીકાર્યું કે કેટલીય વાર તેમને ભારત પાછા ફરવાનો વિચાર આવ્યો હતો.
આરતીએ તે દિવસોને યાદ કર્યા જ્યારે તે સાંજે યુનિવર્સિટીના અસાઇનમેન્ટ કરતી અને સાથે-સાથે પાર્ટ-ટાઇમ નોકરીના વિકલ્પો શોધતી હતી. જ્યારે હાર્દિકે, પોતાના વ્યાવસાયિક લક્ષ્યોને અનુરૂપ નોકરી શોધવાના દ્રઢ નિશ્ચય સાથે, કરિયાણાની દુકાનમાં નાઇટ શિફ્ટ કરતા અને ઘણી બધી કંપનીઓમાં નોકરી માટે અરજીઓ કરી હતી.
તેમની આ દ્રઢ મહેનતનું ફળ આખરે મળ્યું. હાર્દિકને એક કોલેજમાં ‘રજિસ્ટ્રી ઓફિસર‘ તરીકે નોકરી મળી, જે તેમના જીવનનો એક વળાંક સાબિત થયો. આરતીએ યુકેની સૌથી પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાઓ પૈકીની એક ‘લંડન ફાયર બ્રિગેડ’માં એચઆર વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યું. આરતીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં રોગ-25 કોન્ફરન્સમાં ‘બેસ્ટ પ્રેઝેન્ટર’નો એવોર્ડ પણ જીત્યો. આજે, તે યુકેની એક યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યક્તિગત બંને રીતે માર્ગદર્શન આપી રહી છે.
પોતાના અનુભવોથી પ્રેરિત થઈને, આ દંપતિએ ‘ આવીયોર ‘ની સ્થાપના કરી, જે વિદ્યાર્થીઓને યુકેની યુનિવર્સિટીઓમાં સીધો પ્રવેશ મેળવવામાં મદદ કરે છે. પરંતુ જે વસ્તુ તેમને અન્ય એજન્સીઓથી અલગ પાડે છે, તે તેમનો સર્વગ્રાહી અભિગમ છે. આવીયોર માત્ર પ્રવેશ મેળવવામાં જ મદદ નથી કરતું, પરંતુ તે પ્રવેશ સહાય, વિઝા દસ્તાવેજીકરણ, રહેઠાણ માર્ગદર્શન, પાર્ટ-ટાઇમ જોબ માટે માર્ગદર્શન, અને સાંસ્કૃતિક સમાયોજન જેવી સેવાઓ પણ પૂરી પાડે છે.
આરતી કહે છે, ” ફ્લેટ શેરીંગ અને મૂંઝવણભર્યા કાગળિયાથી લઈને સાંસ્કૃતિક તફાવતોની એકલતા સુધી, અમે જે પણ સંઘર્ષ કર્યો તે દરેક સંઘર્ષ એક પાઠ બની ગયો. આવીયોર દ્વારા, અમે ખાતરી કરવા માંગીએ છીએ કે વિદ્યાર્થીઓ માત્ર ટકી રહેવા પર નહીં, પરંતુ તેમના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે.”
આરતી અને હાર્દિક મોડાસિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને યુકે યુનિવર્સિટીમાં પ્રવેશ માટે મફત એડમીશન અપાવીને, તેમની સફરના પ્રથમ પગલા પર જ નાણાકીય અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.