Western Times News

Gujarati News

ગુજરાતમાં પપ હજાર દવાની દુકાન સામે ફકત ૪૦ ડ્રગ ઈન્સ્પેકટર

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં પપ હજાર જેટલી દવાની દુકાનો છે તેની ઉપર દેખરેખ રાખવા ફકત ૪૦ ડ્રગ ઈન્સ્પેકટર છે ! છેલ્લા કેટલાક સમયથી નકલી દવાઓનું વેચાણ વધ્યું છે અને ફાર્માસિસ્ટ ભાડેથી લાઈસન્સ આપતા હોવાથી ફાર્માસિસ્ટ વિના પણ દવાની દુકાનો ચાલતી હોય છે

ત્યારે સતત અને અપૂરતા ચેકિંગના અભાવે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાની ભીતિ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, મશેલકર કમિટીના રિપોર્ટ મુજબ આદર્શ રીતે ૧૦૦ મેડિકલ સ્ટોર દીઠ એક ડ્રગ ઈન્સ્પેકટર હોવો જોઈએ.

રાજ્યમાં જ્યારે ૧ર હજાર મેડિકલ સ્ટોર હતા ત્યારે ૮પ ડ્રગ ઈન્સ્પેકટરનું મહેકમ મંજૂર કર્યું હતું તેની સામે હાલ તેનાથી સાડા ચાર ગણાં સ્ટોર ખુલી ગયા હોવા છતાં મહેકમ તો વધારાયું નથી પરંતુ ખૂટતી જગ્યાઓ પણ ભરવામાં આવી રહી નથી તેના કારણે ૪૦ ડ્રગ ઈન્સ્પેકટરથી ગાડુ ગબડાવાઈ રહ્યું છે અને સમગ્ર રાજ્યની જવાબદારી આોરગ્ય તંત્ર દ્વારા તેમની ઉપર નાંખી દેવાઈ છે.

એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્વારા રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, ખૂબ ઓછો સ્ટાફ હોવાને કારણે રૂટીન તપાસ સાથે ફરિયાદો આવે તેની તપાસમાં પણ ભારે વિલંબ થતો હોય છે. સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લામાં કાયમી આસિસ્ટન્ટ કમિશનર કે ડ્રગ ઈન્સ્પેકટરની મોટી ઘટ હોવાથી નકલી દવાનું વેચાણ વધવાની શક્યતા છે. સરકાર દ્વારા ડ્રગ ઈન્સ્પેકટર અને સિનિયર ડ્રગ ઈન્સ્પેકટરના પ્રમોશન પણ અટકાવી રખાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.