ગરબા સ્થળોએ ફૂડ સ્ટોલ્સમાંથી ૧૩૦ કિલો અખાદ્ય પદાર્થ મળ્યાં

અમદાવાદ, નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઇ ચૂક્યો છે અને શહેરમાં ઠેર ઠેર ખાનગી પાર્ટી પ્લોટ અને મ્યુનિ. પ્લોટ વગેરે જગ્યાએ રાસગરબાના આયોજનમાં વધુ કમાણી માટે ફૂડ સ્ટોલ બનાવીને ભાડે આપવામાં આવતાં હોય છે, આવા અનેક ફૂડ સ્ટોલમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની ઉંચી કિંમત વસુલ કરાતી હોવા છતાં બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનુ વેચાણ થતુ હોવાનુ મ્યુનિ. ફૂડ વિભાગની તપાસમાં ખુલ્યુ છે.
મ્યુનિ. ફૂડ વિભાગનો હવાલો સંભાળતાં એડિશનલ હેલ્થ ઓફિસે જણાવ્યું હતું કે, નવરાત્રિનાં પ્રથમ દિવસથી જ મ્યુનિ. ફૂડ વિભાગની ટીમો દ્વારા ગરબા સ્થળોએ ફૂડ સ્ટોલમાં ચેકિંગની કામગીરી આદરી હતી.
છેલ્લા બે દિવસમાં જુદા જુદા ગરબા સ્થળોએ ૯૦ જેટલાં ફૂડ સ્ટોલમાં તપાસ કરાતાં ૫૯ કિલો અને ૭૩ લિટર મળીને કુલ ૧૩૦ કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થ મળી આવતાં તેનો નાશ કરાવવામાં આવ્યો હતો અને ૨૮ ધંધાર્થીને નોટિસ ફટકારી ૩૫ હજાર રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તદઉપરાંત ત્રણ પ્રકારનાં ખાદ્યપદાર્થનાં નમૂના લેવામાં આવ્યા હતા.
આ પ્રકારની ઝુંબેશ નવરાત્રિનાં અંતિમ દિવસ સુધી ચાલુ રહેશે.ડો.જોષીએ વધુ માહિતી આપતાં કહ્યું કે, ગરબા સ્થળો ઉપરાંત મ્યુનિ. ફૂડ વિભાગે દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ૨૫૦ જેટલાં ખાણીપીણીનાં વેપારીઓને ત્યાંથી જુદા જુદા ખાદ્યપદાર્થનાં ૩૦ નમૂના લઇ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચેકિંગ માટે મોકલી આપ્યા હતા. આ કામગીરી દરમિયાન પણ ૩૦૦ કિલો-લિટર જેટલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થ મળી આવતાં તેનો નાશ કરાવવામાં આવ્યો હતો અને ૮૮ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.SS1MS