Western Times News

Gujarati News

‘હિંદુ સમાજમાં લગ્ન બાદ મહિલાનું ગૌત્ર બદલાઈ જાય’

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૧૫(૧) (બી)ને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન હિન્દુ રીતિ-રિવાજો અને પરંપરાઓ પર મહત્ત્વની ટિપ્પણીઓ કરી હતી.

આ કલમ ૧૫(૧)(બી) મુજબ, જો કોઈ હિન્દુ મહિલાનું વસિયત કર્યા વિના અવસાન થાય અને તેના પતિ કે સંતાનો ન હોય, તો તેની સંપત્તિ તેના પતિના વારસદારોને મળે છે. જસ્ટિસ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું કે, આ કાયદાકીય જોગવાઈની કાયદેસરતાની તપાસ કરતી વખતે અદાલતોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે હિન્દુ સમાજ કઈ રીતે કાર્ય કરે છે.

જસ્ટિસ નાગરત્નાએ ભારપૂર્વક જણાવ્યું, ‘તમે દલીલ કરો તે પહેલાં યાદ રાખો. આ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ છે. ‘હિન્દુ’નો શું અર્થ છે અને સમાજ કઈ રીતે કાર્ય કરે છે, તે સમજવું જરૂરી છે.

હિન્દુ સમાજમાં કન્યાદાનની પરંપરા છે. લગ્ન સમયે સ્ત્રીનું ગોત્ર બદલાય છે, નામ બદલાય છે અને તેની જવાબદારી પતિ અને તેના પરિવારની હોય છે.’ખંડપીઠે ભાર મૂક્યો કે, એકવાર લગ્ન થયા પછી, કાયદા હેઠળ મહિલાની જવાબદારી તેના પતિ અને તેના પરિવારની હોય છે.

જસ્ટિસ નાગરત્નાએ કહ્યું, ‘તે પોતાના માતા-પિતા કે ભાઈ-બહેનો પાસેથી ભરણપોષણની માંગ નહીં કરે. તે પોતાના ભાઈ વિરુદ્ધ ભરણપોષણ માટે અરજી દાખલ કરશે નહીં! તે ફક્ત પતિ અને તેની સંપત્તિ વિરુદ્ધ હોય છે. જો કોઈ મહિલાને સંતાન ન હોય, તો તે હંમેશા વસિયત બનાવી શકે છે.’

અરજદારોમાંથી એક વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી કે કલમ ૧૫(૧) (બી)મનસ્વી છે કારણ કે તે મહિલાઓના ગૌરવને અસર કરે છે.

તેમણે પૂછ્યું, ‘જો કોઈ પુરુષ વસિયત વિના મૃત્યુ પામે, તો તેની સંપત્તિ તેના પરિવારને મળે છે. તો પછી કોઈ મહિલાની સંપત્તિ, તેના બાળકો પછી, ફક્ત તેના પતિના પરિવારને જ કેમ મળવી જોઈએ?’ મેનકા ગુરુસ્વામીએ પણ જણાવ્યું કે આ પડકાર ધાર્મિક રીતિ-રિવાજોને નહીં, પરંતુ કાયદાની કાયદેસરતાને છે.

જોકે, ખંડપીઠે ન્યાયિક હસ્તક્ષેપ દ્વારા સદીઓ જૂની પ્રથાઓને બદલવા સામે ચેતવણી આપી. કોર્ટે કહ્યું, ‘કઠોર તથ્યોથી ખરાબ કાયદો ન બનવો જોઈએ. અમે નથી ઇચ્છતા કે હજારો વર્ષાેથી ચાલી આવતી કોઈ વસ્તુ અમારા નિર્ણયથી તૂટી જાય.’ અંતે, કોર્ટે આ મામલાને સુપ્રીમ કોર્ટ મધ્યસ્થતા કેન્દ્રમાં મોકલતા કહ્યું કે પક્ષકારોએ પરસ્પર સમાધાનના વિકલ્પો શોધવા જોઈએ, જ્યારે બંધારણીય મુદ્દાઓ પર વિચારણા ચાલુ રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.