Western Times News

Gujarati News

એશિયા કપઃ બાંગ્લાદેશ સામે ભારતની ૪૧ રને જીત

દુબઈઃ ભારતે (૨૦ ઓવરમાં ૬/૧૬૮) અહીં બુધવારે બાંગ્લાદેશ (૧૯.૩ ઓવરમાં ૧૦/૧૨૭)ને એશિયા કપના સુપર-ફોર રાઉન્ડમાં ૪૧ રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારે નાકઆઉટ મૅચ રમાશે જે જીતશે એ રવિવારની ફાઇનલમાં ભારત સાથે ટકરાશે. આ ફાર્મેટનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકા આઉટ થઈ ગયું છે.

ભારતના સૌથી વધુ ચાર પાઇન્ટ છે, જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશના બે-બે પાઇન્ટ છે અને શ્રીલંકાએ હજી આ રાઉન્ડમાં ખાતું નથી ખોલાવ્યું. દરેક દેશે આ રાઉન્ડમાં ત્રણ-ત્રણ મૅચ રમવાની છે અને ટોચની બે ટીમ ફાઇનલમાં જાય એવું ફાર્મેટ છે.

ભારતની હવે ફક્ત શ્રીલંકા સામેની મૅચ બાકી છે.બાંગ્લાદેશના બૅટ્‌સમેનોમાં ઓપનર સૈફ હસને સૌથી વધુ ૬૯ રન કર્યા હતા. પરવેઝ એમોને ૨૧ રન કર્યા હતા અને બીજો કોઈ પણ બાંગ્લાદેશી બૅટ્‌સમૅન ડબલ-ડિજિટમાં નહોતો પહોંચ્યો.મૅચની છેલ્લી પળોમાં એક તબક્કે વરુણની ઓવરમાં હાર્દિકના હાથમાં આવી રહેલો કૅચ શિવમ દુબે ઝીલવા ગયો હતો, પણ નહોતો ઝીલી શક્યો.

જોકે પછીના બાલ પર જ વિકેટ પડી હતી. વિકેટકીપર સંજુ સૅમસને પણ વરુણના બાલમાં કૅચ ડ્રાપ કર્યાે હતો અને છેલ્લી ઓવરમાં કુલદીપથી કૅચ નહોતો ઝીલી શકાયો.જોકે ફરી એક વાર કુલદીપ યાદવ તમામ બોલર્સમાં સૌથી સફળ થયો હતો.

તેણે ૧૮ રનમાં ત્રણ તેમ જ બુમરાહ, વરુણે બે-બે વિકેટ અને અક્ષર પટેલ તથા તિલકે એક-એક વિકેટ લીધી હતી.એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ ભારતે છ વિકેટના ભોગે ૧૬૮ રન કર્યા હતા જેમાં એકમાત્ર અભિષેક શર્મા (૭૫ રન, ૩૭ બાલ, પાંચ સિક્સર, છ ફોર)ની હાફ સેન્ચુરી સામેલ હતી. તેની અને ગિલ (૧૯ બાલમાં ૨૯ રન) વચ્ચે ૬.૧ ઓવરમાં ૭૭ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.

બીજી મોટી ભાગીદારી નહોતી થઈ શકી અને સમયાંતરે વિકેટ પડવાને લીધે ભારતીય ટીમ બાંગ્લાદેશને ૧૬૯ રનનો સાધારણ લક્ષ્યાંક આપી શકી હતી. અંતિમ બાલ પર આઉટ થયેલા હાર્દિક (૨૯ બાલમાં ૩૮ રન) અને અક્ષર પટેલ (૧૫ બાલમાં ૧૦ રન) વચ્ચે ૩૯ રનની ભાગીદારી થઈ હતી, પરંતુ છેલ્લી પળોમાં તેમના ઘણા ડૉટ બાલને કારણે ભારત પોણાબસો રન પણ નહોતું કરી શક્યું.

અભિષેક શર્મા અફલાતૂન ઇનિંગ્સ રમીને કમનસીબે રનઆઉટ થયો હતો. સૂર્યકુમાર સાથેની થોડી મૂંઝવણ બાદ તેણે વિકેટ ગુમાવી હતી. મુસ્તફિઝુરનો હાથ સ્ટમ્પ્સ પર ગયો ત્યારે તેના હાથમાં બાલ નહોતો એવું પહેલાં એક ઍન્ગલ પરથી જણાયું હતું, પરંતુ બીજા ઍન્ગલમાં થર્ડ અમ્પાયરને ખાતરી થઈ હતી કે મુસ્તફિઝુરે રનઆઉટ કર્યાે ત્યારે બાલ તેના હાથમાં જ હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.