Western Times News

Gujarati News

પાવાગઢ અને માતાના મઢ ખાતે આસો નવરાત્રી મેળા દરમિયાન કુલ 120 એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન કરશે GSRTC

અંદાજિત ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓને મળશે લાભ

Ahmedabad, પવિત્ર આસો માસમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારમાં રાજ્યના નાગરિકોને પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલ આસોના મેળાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા કુલ ૧૨૦ એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ એક્સ્ટ્રા બસોના સંચાલનનો રાજ્યના અંદાજિત ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓને લાભ મળશે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.           

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી નિગમ દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરીમાં રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે.

વધુમાં ગત વર્ષે નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે આસો નવરાત્રી મેળામાં ૫૦ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને ૭ લાખ અને માતાના મઢ ખાતે ૬૦ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને ૬૩ હજાર દર્શનાર્થીઓએ મેળાનો લાભ લીધો હતો.

જ્યારે ચાલુ વર્ષ -૨૦૨૫માં પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ માટે પાવાગઢથી માંચી સુઘી નિગમ દ્વારા દૈનિક ૫૫ જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને અંદાજિત ૭.૫ લાખ તેમજ કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી માતાના મઢ સુધી ૬૫ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને અંદાજિત ૭૦ હજાર મળીને કુલ આશરે ૮.૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓ મેળાનો લાભ લઇ શકે તે પ્રકારની સુવિધા નિગમ દ્વારા કાર્યરત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવરાત્રી દરમ્યાન પાવાગઢ ખાતે આસો નવરાત્રી મેળો તા.૨૨ સપ્ટેમ્બરથી તા. ૦૭ ઓક્ટોબર ૨૦૨૫ સુધી જ્યારે માતાનો મઢ-કચ્છ ખાતે તા.૧૮ સપ્ટેમ્બર થી તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી કાર્યરત રહેશે. આ મેળા દરમિયાન એસ.ટી નિગમ દ્વારા ૨૪*૭ કલાકે બસોનું સંચાલન કરવામાં આવશે. આ વર્ષે વધુ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને દર્શનાર્થીઓને સુરક્ષિતસરળ અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ કટિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.