નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરીને સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહા શ્રમદાનમાં સહભાગી થયા મુખ્યમંત્રી

- ’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ૧૮૭૭ મેટ્રીક ટનથી વધુ ગાર્બેજ કલેક્શન અને ડિસ્પોઝલ થયુ
- શહેરના ૫૪૯૫ જેટલા માર્ગો અને ૩૨૨૯ થી વધુ રહેણાંક વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ
- ૨.૯૭ લાખથી વધુ નાગરિકોનું સ્વૈચ્છિક યોગદાન
મુખ્યમંત્રીશ્રીએ ’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શાળાની વિદ્યાર્થિનીઓએ તૈયાર કરેલાં ચિત્રો નિહાળ્યા અને સ્વચ્છતાનો સંદેશો જન-જન સુધી પહોંચાડવા વિદ્યાર્થીનીઓને અનુરોધ કર્યો
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રિના ચોથા નોરતે અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી ૨૫મી સપ્ટેમ્બરે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહા શ્રમદાનના કરવામાં આવેલા આયોજનમાં સહભાગી થયા હતા અને ભદ્રકાળી મંદિરના પ્રાંગણમાં સાફ-સફાઈ કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તારીખ ૧૭ સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી બીજી ઓક્ટોબર-૨૦૨૫ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં ૨.૯૭ લાખથી વધુ નાગરિકો સ્વૈચ્છિક રીતે સ્વચ્છતાની પ્રવૃતિમાં જોડાયા છે. ૧૮૭૭ મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરનાં ૫૪૯૫ જેટલા મુખ્ય રસ્તાઓ, ૩૬૭૭થી વધુ કોમર્શીયલ વિસ્તાર તેમજ ૩૨૨૯થી વધુ રહેણાંક વિસ્તારની સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ શ્રમદાનમાં સહભાગી થતા રાહે ખેર ગર્લ્સ હાઈસ્કૂલ, ખમાસાની વિદ્યાર્થીનીઓને મળીને તેમના દ્વારા સ્વચ્છતા અંગે તૈયાર કરાયેલા ચિત્રો નિહાળ્યા હતા અને સ્વચ્છતાનો સંદેશો આવી જ રીતે જનજન સુધી પહોંચાડવા વિદ્યાર્થીનીઓને પ્રેરણા આપી હતી.
આ અગાઉ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે અનુપમ બ્રિજ પાસે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ વેળાએ અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્યો સર્વ શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી દિનેશભાઇ કુશવાહ, શ્રી જીતુભાઇ પટેલ, શહેરના અગ્રણીઓશ્રી પ્રેરકભાઈ શાહ અને શ્રી ભૂષણભાઈ ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ- અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.