Western Times News

Gujarati News

ટ્રમ્પે ફરી સૂર બદલ્યો: યુક્રેન NATOની મદદથી રશિયા સામેનું યુદ્ધ જીતી શકે છે

File Photo

રશિયા સામે નમતું જોખવાને બદલે યુક્રેને બધી જમીન સુરક્ષિત રાખવી જોઈએઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

નવી દિલ્હી,  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિચિત્ર વર્તન અને નિવેદનો કોઈ નવી વાત નથી. ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે હવે પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. અગાઉ ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુક્રેન રશિયાને તેના કેટલાક પ્રદેશો તથા જમીન આપી શકે છે.

જ્યારે બુધવારે યુએસ પ્રમુખે પોતાના સૂર બદલતા કહ્યું કે, મારું માનવું છે કે, કિવ યુરોપીયન સંઘ અને નાટોની મદદથી યુદ્ધ લડીને જીત હાંસલ કરીને યુક્રેનને અખંડ રાખવાની ક્ષમતા ધરાવે છે. ટ્રમ્પે ટ્‌›થ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, જ્યાંથી યુદ્ધની શરૂઆત થઈ હતી તે તમામ વાસ્તવિક સરહદો યુક્રેન પરત મેળવી શકે છે. આના માટે યુરોપ અને નાટોએ રશિયા ઉપર આર્થિક દબાણ લાવીને યુક્રેનને ટેકો આપવો જોઈએ.

આ પણ વાંચો

રશિયાને આખરે નાટો (NATO) કેમ નડે છે?

મંગળવારે ટ્રમ્પે યુએનની સામાન્ય સભામાં સંબોધન બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ રોકવાની અનેક અપીલ કરી હતી જેમાં તેમણે યુક્રેનને તેની કેટલીક જમીન આપવી પડશે તેવું તેમણે જણાવ્યું હતું.પોસ્ટમાં ટ્રમ્પે વધુમાં કહ્યું કે, યુક્રેન કદાચ તેનાથી પણ આગળ વધી શકે છે, જો કે તેમણે આ બાબતે વધુ સ્પષ્ટતા કરી નહતી.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના પ્રવક્તા દીમિત્રિવ પેસ્કોવે ટ્રમ્પના બદલાયેલા સૂરનું કારણ તાજેતરમાં યુક્રેનના પ્રેસિડેન્ટ સાથે થયેલી મુલાકાત હોવાનું જણાવ્યું હતું.ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો હાલમાં સારા હોવા છતાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યાે હતો કે, ભારત મોટાભાગે અમારી પડખે જ છે. યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્યસ્થીથી ભારત રશિયા પ્રત્યે તેનું વલણ બદલશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

ઝેલેન્સ્કીને પૂછવામાં આવ્યું કે, ચીન અને ભારત યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને મદદ કરી રહ્યા છે ત્યારે તેમણે ઉપરોક્ત જવાબ આપ્યો હતો. ટ્રમ્પે અગાઉ ભારત અને ચીન રશિયાનું ઓઈલ ખરીદીને યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં રશિયાને ભંડોળ પુરું પાડી રહ્યા હોવાનો દાવો કર્યાે હતો. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, ભારત અમારી સાથે જ છે. ઉર્જા ક્ષેત્રે તેનો રશિયા સાથે સંબંધ છે પરંતુ યુરોપના સહયોગથી ટ્રમ્પ તેનો ઉકેલ લાવી શકશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.