GST દર ઘટાડાના મુદ્દા પર જનતાને ગેરમાર્ગે દોરવા બદલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું PM મોદીએ

File
GST સુધારાઓ ભારતની વિકાસ ગાથાને નવી ગતિ આપશેઃ મોદી
GST નોંધણીને સરળ બનાવશે, કર વિવાદો ઘટાડશે અને MSME માટે રિફંડ ઝડપી બનાવાશે
(એજન્સી) નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે જીએસટી દર ઘટાડાના મુદ્દા પર જનતાને ગેરમાર્ગે દોરવા બદલ કાંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટૂથપેસ્ટથી લઈને ટ્રેક્ટર સુધીના ભાવ પર લોકો માટે કરનો બોજ ઘટાડવામાં આવ્યો છે.
તેમણે એમ પણ કહ્યું કે કાંગ્રેસની આગેવાની હેઠળની સરકારો દરમિયાન, કર લૂંટ થઈ હતી અને લોકો પર ભારે કરનો બોજ હતો. ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રીએ કહ્યું કે આગામી પેઢીના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારાઓ માત્ર ત્રણ દિવસ પહેલા (૨૨ સપ્ટેમ્બર) લાગુ કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે આ એક માળખાકીય પરિવર્તન છે. આ ભારતની વિકાસ ગાથાને નવી ગતિ આપશે, તેમણે કહ્યું આ સુધારાઓ જીએસટી નોંધણીને સરળ બનાવશે, કર વિવાદો ઘટાડશે અને એમએસએમઈ માટે રિફંડ ઝડપી બનાવશે, જેનાથી દરેક ક્ષેત્રને ફાયદો થશે.
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે, આમ છતાં, કેટલાક રાજકીય પક્ષો દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જેઓ ૨૦૧૪ પહેલા સત્તામાં હતા તેઓ તેમની સરકારની નિષ્ફળતાઓ છુપાવવા માટે જનતાને ખોટું બોલી રહ્યા છે. મોદીએ કહ્યું, સત્ય એ છે કે કોંગ્રેસ સરકારો દરમિયાન, કર દ્વારા મોટા પાયે લૂંટ કરવામાં આવી હતી અને લૂંટાયેલા પૈસા વધુ લૂંટવામાં આવ્યા હતા. દેશનો સામાન્ય નાગરિક કરના બોજથી પીડાઈ રહ્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેમની સરકારે કરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, ફુગાવાને નિયંત્રિત કર્યો છે અને આવક અને બચત બંનેમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે રૂપિયા૧૨ લાખ સુધીની આવકને કરમાંથી મુક્તિ આપીને અને નવા જીએસટી સુધારાઓ લાગુ કરીને નાગરિકો ફક્ત આ વર્ષે જ રૂ.૨.૫ લાખ કરોડ બચાવશે. પીએમ મોદીએ કહ્યું કે દેશ જીએસટી બચત ઉત્સવ ઉજવી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જીએસટી ના હિસ્સેદારોએ ત્રણ અલગ અલગ તબક્કા જોયા છે: જીએસટી પહેલા, જીએસટી પછી, અને હવે આગામી પેઢીના જીએસટી સુધારા. આ સમયગાળા દરમિયાન, જીએસટી માળખામાં નોંધપાત્ર ફેરફારો થયા છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ૨૦૧૪ પહેલા, ઊંચા કરના બોજને કારણે વ્યવસાયિક ખર્ચ અને ઘરગથ્થુ બજેટ બંનેનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું હતું. તેમણે નોંધ્યું હતું કે ૨૦૧૪ પહેલા, રૂ.૧,૦૦૦ ની કિંમતના શર્ટ પર આશરે રૂપિયા૧૭૦ નો કર લાગતો હતો. ૨૦૧૭ માં જીએસટી લાગુ થયા પછી, આ કર ઘટાડીને ૫૦ કરવામાં આવ્યો હતો.