Western Times News

Gujarati News

હિંમતનગરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત બે બાળકોને હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા

પ્રતિકાત્મક

રખડતા પશુઓને પકડી શહેરીજનોને ભયમુક્ત કરવા માંગ

(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગરના મોટાભાગના તમામ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો ત્રાસ યથાવત રહ્યો હોવા છતાં કોણ જાણે કેમ નગરપાલિકા આવા રખડતા પશુઓને પકડી તેમના માલિકો વિરૂધ્ધ સપ્ત કાર્યવાહી કરવા માટે શહેરીજનોએ અનેક વખત રજુઆતો કરી હોવા છતાં તેમનો અવાજ પહોંચી શકતો નથી

દરમ્યાન બુધવારે શહેરના સહકારી જીન વિસ્તારમાં અચાનક આવી ચઢેલી એક ગાયે બે બાળકોને હડફેટે લેતાં મહામુસીબતે બાળકની માતાએ પોતાના બાળકને બચાવવા માટે પોતાના જાનની પરવા કર્યા વિના બાળકને દૂર હડસેલી દીધો હતો ઉપરાંત સાઈકલ પર નિકળેલ એક બાળકને પણ ગાયે નિશાન બનાવીને ઈજાગ્રસ્ત કરી દીધો હતો.

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બુધવારે શહેરના સહકારી જીન વિસ્તાર નજીક આવેલ કર્ણાવતી અને શ્રીધર સોસાયટીમાં અચાનક રોષે ભરાઈને આવેલી એક ગાયે એક મહિલા તેના બાળકને લઈને જઈ રહયા હતા ત્યારે અચાનક આ ગાયે સતત ૪૦ સેકન્ડ સુધી બાળક અને તેની માતા પર હુમલો કરી દીધો હતો જોકે હિંમત દાખવીને બાળકની માતાએ પોતાના જાનની પરવા કર્યા વિના બાળકને બચાવવા માટે થોડોક દુર હડસેલી દીધો હતો.

તો બીજી તરફ અન્ય એક સ્થળે એક બાળક સાયકલ લઈને જતો હતો ત્યારે ગાયે આવીને આ બાળકને શિંગડે ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અન્ય લોકોને ખબર પડતાં તેમને તરતજ લાકડીઓ લઈ દોડી આવીને ગાયને ભગાડી મુકવાનો પ્રયાસ કર્યો હતો.

તો બીજી તરફ શહેરમાં છેલ્લા ગણા સમયથી રખડતા પશુઓનો ત્રાસ હજુ પણ યથાવત છે ત્યારે નગરપાલિકાના સત્તાવાળાઓ જયારે પણ આવી ઘટના બને ત્યારે શહેરમાં વિવિધ સ્થળે જઈને કેટલીક રખડતા પશુઓને પકડી લીધા બાદ તેમના માલિકો પાસેથી દંડ વસુલે છે.

શહેરીજનોનું માનવું છે કે હિંમતનગરનો વિસ્તાર દિન પ્રતિદિન વધી રહયો છે ત્યારે અત્યારથી જ વહીવટી તંત્ર તથા નગરપાલિકાએ રખડતા પશુઓને તથા અન્ય પશુમાલિકોને શહેરી વિસ્તારમાંથી અન્યત્ર વિકલ્પ આપીને સ્થળાંતર કરી દેવા જોઈએ

જોક સત્વરે નગરપાલિકા અને વહીવટી તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ભવિષ્યમાં પણ રખડતા પશુઓનો ત્રાસ વધી જશે. હિંમતનગર સહિત જિલ્લામાં વિવિધ સ્થળે રખડતા પશુઓનું જાહેર સ્થળે જે અતિક્રમણ થઈ રહ્યું છે તેના લીધે રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક પ્રજા પણ તોબા પોકારી ઉઠી છે છતાં પાલિકાના સત્તાવાળાઓ ઠોસ કાર્યવાહી ન કરતા હોવાની છાપ ઉપસી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.