ગરબા રમવાની પધ્ધતિ- સમયમાં ફેરફાર આરતી મોડે થાય એટલે ગરબા પણ મોડા શરૂ થાય

કામધંધેથી મોડા આવવાવાળા ગરબા રમવા મોડે ઉતરે છે ઃ સોસાયટી- ફલેટોમાં એનાઉન્સમેન્ટ કરવાવાળા થાકી જાય ત્યારે ગરબા શરૂ થાય છે
પાર્ટી પ્લોટોમાં પણ ગરબા મોડા શરૂ થાય છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, સમયની સાથે બધુ બદલાતુ હોય છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવુ કહેવાય છે. આ ફેરફાર પાછલા ઘણા વર્ષોથી નવરાત્રીમાં પણ જોવા મળી રહયો છે અગાઉના વર્ષોમાં નવરાત્રી જે પ્રકારે રમાતી હતી તેમાં આમૂલ પરિવર્તન આવી ગયુ છે. માતાજીની ભક્તિનું સ્વરૂપ એ જ રહયુ છે પરંતુ ગરબા રમવાની પધ્ધતિ- સમયમાં ફેરફાર થયા છે.
હવે મોટાભાગની સોસાયટી- ફલેટો કે શેરીઓમાં આરતી છેક રાત્રે ૯-૧૦ વાગ્યાની આસપાસ થાય છે અને ગરબાની શરૂઆત ૧૧ વાગ્યા પછી થતી હોવાનું જોવા મળે છે. સોસાયટી- ફલેટોમાં એનાઉન્સમેન્ટ કરવાવાળા થાકી જાય છે.
ત્યારે લોકો ગરબા ગાવા માટે નીચે ઉતરે છે તેની પાછળનું મુખ્યત્વે કારણ એ છે કે લોકો કામધંધાના સ્થળેથી ઘરે પરત આવે ત્યારે રાત્રીના ૯-૧૦ વાગી જાય છે પછી જમીને નાહીને તૈયાર થાય એટલે સમય જાય તે સ્વાભાવિક છે પરિણામે ગરબા મોડા શરૂ થાય છે
ગરબામાં વચ્ચે પાછો ઈન્ટરવેલ આવે. રાત્રીના ૧ર વાગ્યાની આસપાસ નાસ્તો- ચા આપવામાં આવે. હવે તો સોસાયટીઓ- ફલેટો કે શેરીઓમાં પોતાને જ ત્યાં નાસ્તો તૈયાર કરાવે છે તો કેટલાક સ્થળોએ બહારથી નાસ્તાનો ઓર્ડર આપી દીધો હોય તો તે લેવા જવુ પડે છે અગર તો નાસ્તો બનાવવા વહેપારીઓ માણસો મારફતે નાસ્તો મોકલી દે છે.
આમ અડધો કે એકાદ કલાક નાસ્તા પાણી પાછળ જાય. પછી ગરબાનો બીજો રાઉન્ડ શરૂ થાય. ખેલૈયાઓને બીજા રાઉન્ડમાં મઝા વધારે એટલે આવે છ ેકે, તેમાં અલગ-અલગ પ્રકારની પધ્ધતિથી ગરબા લેવામાં આવે છે અને અંતે તો ગરબાની રમઝટ થાય છે. દોઢિયુ, સનેડો, સહિતની ગરબાની પેટર્નમાં ખેલૈયાઓને ઘૂમવાની મજા પડે છે.
ખાસ તો પાર્ટી પ્લેટોમાં અલગ અલગ પ્રકારે ટ્રેડીશનલ ડ્રેસની સાથે સ્ટાઈલીશ ગરબા પ્રચલિત બન્યા છે. દર વર્ષે નવી – નવી સ્ટાઈલથી ગરબા ગાતા યુવાનો- યુવતીઓ જોવા મળી રહયા છે.