Western Times News

Gujarati News

વરસાદ બાદ રસ્તાઓ તૂટી જતાં ધૂળની ડમરીઓથી વાહનચાલકો ત્રાહિમામ

વિલાયત-દેરોલ માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય અને ધૂળની ડમરીઓથી વાહનચાલકો ત્રાહિમામ

(પ્રતિનિધિ) ભરૂચ, વાગરા તાલુકાના અતિ મહત્ત્વના ગણાતા વિલાયત-દેરોલ માર્ગ પરની વાહનચાલકોની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ લેતો નથી.આ માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે.જ્યાં એક તરફ મૃત્યુના કૂવા સમાન ખાડાઓનું સામ્રાજ્ય છવાયેલું છે.

તો બીજી તરફ આવડત વગણના કામને લઈ ઊડતી ધૂળની ડમરીઓએ વાહનચાલકો અને આસપાસના ગ્રામજનોનું જીવન દુષ્કર બનાવી દીધું છે.સવારના સમયે કે વાહનોની અવરજવર વધતાં જ માર્ગ પર જાણે ધૂળનું વાવાઝોડું સર્જાય છે.જેના કારણે દૃશ્યતાનો અભાવ રહે છે અને અકસ્માતનું જોખમ સતત વધતું જાય છે.

ધૂળના આ ગાઢ વાદળોને કારણે વાહનચાલકોને સામેથી આવતાં વાહનો જોવામાં ભારે મુશ્કેલી પડે છે.માર્ગની બિસમાર સપાટીને કારણે વાહનો ધીમા ચાલે છે અને સતત ધૂળ ઉડતી રહે છે.

જેણે હવે એક ગંભીર સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.આસપાસના ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા નોકરિયાત વર્ગના લોકોને સતત ધૂળ શ્વાસમાં જવાથી શ્વાસ અને ફેફસાં સંબંધિત બીમારીઓનો ભય સતાવી રહ્યો છે.

આ માર્ગ પર ખાડાઓની ગંભીરતાને કારણે વાહનચાલકો ખાડાથી બચવા માટે વારંવાર માર્ગ પર આડુંઅવળું વાહન હંકારે છે.જે ધૂળ ઉડાવવામાં વધારો કરે છે.સ્થાનિકોના મતે તંત્ર દ્વારા આ માર્ગની સમારકામ કે યોગ્ય જાળવણી માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.