સુરતમાં પત્નીનું ગળું કાપી હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા

ગળું દબાવી પત્નિની હત્યા કરી- ચાકુ વડે ગળુંકાપી નાંખ્યું-માથું એક થેલીમાં ભરી રેલવે લાઈનની ઝાડીઓમાં ફેંકી દીધું હતું.
સુરત, સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ચાર વર્ષ પહેલાં પત્નીનું ગળું કાપી હત્યા કરવાના ચકચારી બનાવમાં કોર્ટે હત્યારા પતિને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને પ૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
આરોપી રપ વર્ષીય સન્યાસી ઉર્ફે દીપક મૂળ રહે.બડા માધાપુર, જિ.ગંજામ, ઓરિસ્સા અને જયંતી ઉર્ફે આરતી (રહે.તરાતારીણી, ઓરિસ્સા) વચ્ચે ચાર વર્ષ અગાઉ પ્રેમસંબંધ બંધાયો હતો. બન્ને લગ્ન કરવા માંગતા હતા પરંતુ તેમના પરિવારની અસંમતિને કારણે એપ્રિલ ર૦૧૭માં દીપકે જયંતીને ઓરિસ્સાના તેના ગામથી ભગાવી લાવી હતી. બન્નેએ પુરીના મંદિરમાં લગ્ન કર્યા બાદ સુરતના અમરોલી ખાતે ભરથાણાગામ, ખોડિયારનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા.
જો કે, સમય જતાં બન્ને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. ૯ નવેમ્બર ર૦૧૮ના રોજ દિવાળીની રજા દરમિયાન દીપક અને જયંતી વચ્ચે ફરી ઝઘડો થયો હતો. ગુસ્સે ભરાયેલા દીપકે જયંતીનું ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ પુરાવા નાશ કરવા માટે દીપકે ચાકુ વડે જયંતીનું ગળુંકાપી નાંખ્યું અને તેનું માથું એક થેલીમાં ભરી અમરોલીમાં અંજની ઈન્ડસ્ટ્રીઝ પાસે કુભકો રેલવે લાઈનની ઝાડીઓમાં ફેંકી દીધું હતું.
બાકીની લાશને ચાદરમાં લપેટી કોસાડ અને ભરથાણા ગામ રેલવે સ્ટેશન વચ્ચેની રેલવે લાઈન પર ફેંકી દીધી. આ ઉપરાંત લોહીથી ખરડાયેલી જયંતીની નાઈટી અને ચાદર પણ ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે દીપકની ધરપકડ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એપીપી નીતિન ચોડવડિયાએ મજબૂત બદલીલો રજૂ કરી જેના આધારે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને પ૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.