સમયની કસોટીમાં પાર ઉતરેલા ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બનશેઃ પીએમ

File Photo
ગ્રેટર નોઈડા, ભારત અને રશિયા વચ્ચેની દાયકાઓ જુની મિત્રતા જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આંખમાં કણાંની જેમ ખૂંચી રહી છે. રશિયા સાથે ઓઈલ અને શસ્ત્રો સહિતનો વેપાર કરવા બદલ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકાની જંગી ટેરિફ લાદી છે.
જોકે ટ્રમ્પની ધાક-ધમકીઓને વશ થયા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે એક કાર્યક્રમ દરમિયાન રશિયા સાથેની મજબૂત ભાગીદારી પર ભાર મૂક્યો હતો.
ઉત્તરપ્રદેશમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોમાં વડાપ્રધાને દેશને આત્મનિર્ભર બનાવવા પર ભાર મુકતા જણાવ્યું હતું કે, ભારતે હવે અન્ય દેશ પર નિર્ભર નથી રહેવું.
આ વખતે રશિયા આ આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોનું પાર્ટનર છે, જેનો અર્થ એ છે કે સમયની કસોટીમાં ખરાં ઉતરેલાં બંને દેશોના સંબંધો આ ટ્રેડ શોના માધ્યમથી વધુ મજબૂત બનશે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળો બાહ્ય નિર્ભરતા ઘટાડી સ્વદેશી ઉકેલો ઈચ્છે છે. દેશ આત્મનિર્ભર બનવો જ જોઈએ, જે વસ્તુઓનું ઉત્પાદન ભારતમાં શક્ય હોય તે અહીં જ બનાવવી જોઈએ.
વૈશ્વિક અવરોધો અને અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતની વૃદ્ધિ આકર્ષક દરે જળવાઈ રહી હોવાનું જણાવતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, સતત પરિવર્તનમાંથી પસાર થઈ રહેલાં વર્તમાન વિશ્વમાં જે દેશ અન્ય દેશો પર જેટલો વધુ આધાર રાખે છે તેની વૃદ્ધિ એટલી જ વધુ અવરોધાય છે. આથી જ ભારત જેવા દેશને હવે અન્યો પર નિર્ભર રહેવું પાલવે તેમ નથી, ભારતે આત્મનિર્ભર બનવું જ રહ્યું.
રશિયાની મદદથી શરૂ કરાયેલી ફેક્ટરીમાં ટૂંક સમયમાં એકે-૨૦૩ રાઈફલનું ઉત્પાદન શરૂ થઈ જશે. ઉત્તરપ્રદેશમાં હાલમાં ડિફેન્સ કોરિડોર સ્થાપવાની કામગીરી ચાલી રહી છે.
બ્રહ્મોસ મિસાઈલ્સ સહિતના અન્ય આધુનિક શસ્ત્રોના ઉત્પાદનની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આપણે દેશના સંરક્ષણ ક્ષેત્રને અત્યંત સક્ષમ બનાવવા ઉપરાંત એવી ઈકોસિસ્ટમ તૈયાર કરી રહ્યાં છે, જેમાં સંરક્ષણ માટેના તમામ પૂર્જાઓ પર મેઈડ ઈન ઈન્ડિયાનું ચિહ્ન લાગેલું હશે.SS1MS